News of Wednesday, 14th January 2026
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે મકરસંક્રાંતિના પર્વે ગૌ માતાનો અન્નકોટ ઉત્સવ ઉજવાયો
ગૌચારાનો તમામ પ્રસાદ જેમાં ૧૫ કિલો કેળા, ૧૦ કિલો પપૈયા, ૧૦ કિલો તરબૂચ, પાંચ કિલો સફરજન, પાંચ કિલો જામફળ, દસ કિલો ટેટી, પાંચ કિલો ચીકુ, ઉપરાંત કોબી ડ્રેગન ફુટ, કાકડી સહિત પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા

જામનગર:જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાના પ્રસાદ રૂપનો વિશ્વ વિક્રમી રોટલો બનાવનાર સંસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા,શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ,અને શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા, શ્રી જલારામ મંદિર હાપા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌશાળા માં આશ્રિત ગાય માતા માટે ગૌચારાનો અન્નકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આવેળાએ ગૌમાતા નું પૂજન કરવા માટે અનેક જલારામ ભક્તો, અને ગૌભક્તો મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ બાપાના મંદિરે આરતી કરાયા બાદ અન્નકોટ ઉત્સવમાં મુકવામાં આવેલા ગૌચારાનો તમામ પ્રસાદ જેમાં ૧૫ કિલો કેળા, ૧૦ કિલો પપૈયા, ૧૦ કિલો તરબૂચ, પાંચ કિલો સફરજન, પાંચ કિલો જામફળ, દસ કિલો ટેટી, પાંચ કિલો ચીકુ, ઉપરાંત કોબી ડ્રેગન ફુટ, કાકડી સહિત પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ગૌશાળામાં આશ્રિત ગૌમાતા ને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
સનાતન ધર્મમાં દાન અને અન્ન ના મહત્વને ધ્યાનમાં રાખી અને ૩૩ કોટી દેવીદેવતાના વાસ ધરાવનાર ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતના પવિત્રદિને સૌ પ્રથમ શરૂઆત બાદ સતત ૭માં વર્ષમાં ગૌચારા અન્નકુટ તેમજ માતૃશ્રી વીરબાઇમાં તેમજ પૂ. જલારામબાપાએ સદાવ્રત શરૂ કર્યાના મહાનદિવસ વિક્રમ સવંત ૧૮૭૬ મહાસુદ બીજના દિવસની ઉજવણીના ભાગરૂપે તા ૧૭ મીએ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા ૧૪ મી વખત ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકુટ રાખેલ છે.
આ ઉપરાંત ૧૭ મી તારીખે સાંજે છ વાગ્યાથી જલારામ મંદિરે શ્રીનાથજી ની ઝાંખી નો કાર્યક્રમ પણ યોજાશે જેમાં શ્રીનાથજી કલાવૃંદ તથા ગાયત્રી ગરબા મંડળ (જામખંભાળીયા) પોતાની કલાકૃતિ રજૂ કરશે જેનો સર્વે જલારામ ભક્તોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
