<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મકરસંક્રાંતિએ મોરબી પાંજરાપોળની અપીલ પર મોરબીવાસીઓ વરસી પડ્યા, એક જ દિવસમાં 1.05 કરોડનું દાન મળ્યું.

1700 મણ લીલો ઘાસચારો પણ મળ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મકરસંક્રાંતિના પાવન પર્વે મોરબી પાંજરાપોળને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. દાતાઓએ મન મૂકીને દાનની સરવાણી વહાવતા એક જ દિવસમાં મોરબી પાંજરાપોળને 1,05,12,993 રૂપિયાનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત 1700 મણ લીલો ઘાસચારો પણ મોરબી પાંજરાપોળને દાનમાં મળ્યો છે.

     મોરબી પાંજરાપોળ દ્વારા મોરબી શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે જુદી જુદી 39 જગ્યાએ દાન માટે સ્ટોલ રાખી ટહેલ નાંખી હતી. જેમાં દાતાઓ દ્વારા ખૂબ જ સારો સહકાર મળતા એક કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. મહત્વનું છે કે, મોરબી પાંજરાપોળ દ્વારા 6,000 જેટલા ગૌ વંશના નિભાવ માટે વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યું છે. સાથે જ પાંજરાપોળના ટ્રસ્ટી અને રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એક જ જગ્યાએ 8 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાગૃતિ માટે પણ ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગૌ પ્રેમી અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ વેલજીભાઇ પટેલ ( બોસ ) હિતેષભાઇ ભાવસાર પણ ગૌ માતાના લાભાર્થે દાન આપવાની અપીલ કરવા સાથે રોડ પર ઉતર્યા હતા. જેમની ટહેલના પગલે લોકોએ મુક્ત મને દાન આપ્યુ હતુ.

(11:18 PM IST)