<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ધ્રોલમાં સોનીની દુકાનમાં બાકોરૂ પાડીને ૧૭.પ૮ લાખના દાગીનાની ચોરી

પ્રકાશભાઇ હેમતલાલ ભીંડીની દુકાનને નિશાન બનાવતા તસ્‍કરો : આરોપીઓની શોધખોળ

 

ધ્રોલ : તસ્‍વીરમાં સોનીની દુકાન તથા બાકોરૂ પાડેલ છે. તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંજય ડાંગર-ધ્રોલ) (૪.૧૧)

(હસમુખરાય કંસારા-સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧પ :.. જામનગર જીલ્લાના ધ્રોલમાં પ્રકાશભાઇ હેમતલાલ ભીંડીની સોના-ચાંદીની દુકાનમાં બાકોરૂં પાડીને તસ્‍કરોએ ૧૭.પ૮ લાખના દાગીનાની ઉઠાંતરી કરતા ખળભળાટ મચી ગયો છે.

ધ્રોલ ખાતે જામનગર રોડ પર આવેલ શ્રી તુલજા ભવાની જવેલર્સ માં દુકાનની દિવાલની પાછળ બાકોરૂ પાડીને દુકાનમાં ઘુસીને સોના- તથા ચાંદીના દાગીનાઓની ઉઠાંતરી કરીને નાસી ગયેલ.

આ બનાવ અંગે આ જવેલર્સના માલીક હડીયાણા તા. જોડીયા ખાતેથી ધ્રોલ અપ હાઉન કરીને  વેપાર કરે છે. તેઓએ આ શોરૂમાં સીસીટીવી અને વાઇફાઇના કનેકશનો તેમના મોબાઇલમાં રાખેલ હોય તેઓએ ગત રાત્રી તા. ૧૧ વાગ્‍યાની આસપાસ મોબાઇલ ચેક કરતા તેમની દુકાનમાં ચોરી થયેલ. હોવાની જાણકારી મળેલ.

આથી દુકાન માલીક ભીંડી પ્રકાશભાઇ હીંમતલાલે તાત્‍કાલીક ૧૦૦ નંબર ઉપર પોલીસને જાણ કરીને તેઓ હડીયાણાથી ધ્રોલ આવેલ. આ દરમ્‍યાન પોલીસના અધિકારીઓ પણ આવી પહોંચેલ અને જાત નીરીક્ષણ કરેલ અને તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, જોડીયા તાલુકાના હડીયાણા ગામે રહેતા અને ધ્રોલમાં સોનીકામનો વ્‍યવસાય કરતા ૪૬ વર્ષીય પ્રકાશભાઈ હેમતલાલ ભીંડીની નગરપાલિકા સામે આવેલી દુકાનને તસ્‍કરોએ નિશાન બનાવી હતી. ગત તારીખ ૧૪/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના સાડા દસ વાગ્‍યાની આસપાસ કોઈ અજાણ્‍યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દીવાલમાં મોટું બાકોરું પાડ્‍યું હતું. આ બાકોરા વાટે તસ્‍કરો દુકાનની અંદર પ્રવેશ્‍યા હતા અને દુકાનમાં રાખેલ શોકેસ તથા તિજોરી ફંફોસી હતી.

તસ્‍કરોએ તિજોરી અને શોકેસમાં રહેલા આશરે ૩ કિલોગ્રામ ચાંદીના દાગીના, જેની કિંમત અંદાજે રૂ. ૨,૫૮,૦૦૦ થાય છે, તેમજ તિજોરીમાં સુરક્ષિત રાખેલા ૧૫૦ ગ્રામ (૧૫ તોલા) સોનાના દાગીના, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧૫,૦૦,૦૦૦ ગણવામાં આવે છે, એમ કુલ મળીને રૂ. ૧૭,૫૮,૦૦૦ની મતાની ચોરી કરી હતી.

આ બનાવની જાણ થતા જ ધ્રોલ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. વેપારી પ્રકાશભાઈની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસ સ્‍ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ અને હેડ કોન્‍સ્‍ટેબલ સી.જે. જાડેજાએ ભારતીય ન્‍યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૩૩૧(૪), ૩૦૫(એ) અને ૫૪ મુજબ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભીડભાડવાળા વિસ્‍તારમાં અને નગરપાલિકાની બિલકુલ સામે થયેલી આ મોટી ચોરીને પગલે સ્‍થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્‍યા તસ્‍કરોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. (પ-૧૪)

(11:09 AM IST)