<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અકસ્‍માતમાં માસુમ માસીયાઇ ભાઇ-બહેનના મોત : જુઓ વિડિયો

કાગદડી પાસે સ્‍કોર્પિયોએ અલ્‍ટ્રોઝકારને ઉલાળતાં ગોઝારો અકસ્‍માતઃ વાંકાનેર-બેડીના કોળી પરિવારોમાં કલ્‍પાંત : બેડી વાછકપરના અજયભાઇ બાબરીયા વાંકાનેર સાઢુ અનીલભાઇ મદરેસાણીયાને ત્‍યાં સંક્રાંતિ મનાવવા ગયા હતાં: અનિલભાઇ બધાને પરત મુકવા આવતાં હતાં ત્‍યારે રસ્‍તો ઓળંગતી વખતે અલ્‍ટ્રોઝ કારને સ્‍કોર્પીયોએ ઉલાળીઃ ૩ વર્ષના મોક્ષ અને ૯ મહિનાની શ્રેયા ના રાજકોટમાં સારવારમાં મોત

 

તસ્‍વીરમાં કાળનો કોળીયો બનેલી ૯ મહિનાની માસુમ શ્રેયાનો નિષ્‍પ્રાણ દેહ, ૩ વર્ષના મોક્ષનો ફાઇલ ફોટો અને ઘટના સ્‍થળે વાહનો જોઇ શકાય છે. ઘટના સ્‍થળ અને મૃતકની તસ્‍વીરો બેડીથી વેલજીભાઇ બાબરીયા અને ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

રાજકોટ તા. ૧૪: મકરસંક્રાંતિનું પર્વ રાજકોટના બેડી વાછકપર અને વાંકાનેરના બે સાઢુભાઇના પરિવારો માટે શોકમય બની ગયું હતું. કાગદડીના પાટીયા પાસે રાતે બંને સાઢુભાઇની કારને સ્‍કોર્પિયોના ચાલકે ઠોકરે ચડાવતાં બંને કારનો બૂકડો બોલી ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માંતમાં બેડી વાછકપરના યુવાનના ૩ વર્ષના દિકરાનું અને તેના સાઢુભાઇ વાંકાનેરના યુવાનની ૯ મહિનાની દિકરીના ગંભીર ઇજાઓ થતાં મોત થયા હતાં. જ્‍યારે બેડીના યુવાન અને તેના સાળીને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. કોળી યુવાન પરિવારજનો સાથે બેડીથી વાંકાનેર સાઢુના ઘરે પતંગ ઉડાડવા ગયા હતાં. રાતે સાઢુ આ બધાને પરત બેડી મુકવા આવ્‍યા ત્‍યારે અલ્‍ટ્રોઝ કારનો ટર્ન લઇ રસ્‍તો ઓળંગતી વખતે રાજકોટથી મોરબી તરફ જઇ રહેલી સ્‍કોર્પિયો ધડાકાભેર અથડાતાં બે માસુમ માસીયાઇ ભાઇ-બહેનના મોત થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ વાછકપર બેડી ગામે રહેતાં અજયભાઇ સુરેશભાઇ બાબરીયા (ઉ.વ.૩૦) ગઇકાલે સંક્રાંતિ નિમીતે પોતાના પત્‍નિ, પુત્ર મોક્ષ (ઉ.વ.૩), સાળી ધર્મિષ્‍ઠા રમેશભાઇ વઢુકીયા (ઉ.વ.૧૫) સહિતને લઇને વાંકાનરે રહેતાં સાઢુ અનીલભાઇ જગદીશભાઇ મદરેસાણીયાના ઘરે ગયા હતાં.

ઉતરાયણ ઉજવી લીધા બાદ અજયભાઇને પરિવાર સાથે બેડી આવવું હોઇ તેના સાઢુભાઇ અનિલભાઇ મદરેસણીયા પોતાની અલ્‍ટ્રોઝ કાર જીજે૩૬એએલ-૯૯૨૮માં બેસાડી બધાને બેડી મુકવા આવવા વાંકાનેરથી નીકળ્‍યા હતાં. તેમની સાથે તેના પત્‍નિ, પુત્રી શ્રેયા (ઉ.વ.૯ મહિના) પણ હતાં. આ બધા રાતે સાડા અગીયારેક વાગ્‍યે રાજકોટના કાગદડીના પાટીયા પાસે પહોંચ્‍યા ત્‍યારે બેડી વાછકપર જવા ટર્ન લઇ રસ્‍તો ઓળંગી રહ્યા હતાં એ વખતે જ રાજકોટથી મોરબી તરફ જઇ રહેલી સ્‍કોર્પીયો જીજે૦૪એફએ ૭૭૭૧ બંબાટ ઝડપે આવી અલ્‍ટ્રોઝ સાથે અથડાતાં બંને કારનો બૂકડો બોલી ગયો હતો. અંદર બેઠેલા લોકોએ ચીસાચીસ કરી મુકી હતી.

અલ્‍ટ્રોઝમાં બેઠેલા પૈકીના અજયભાઇ બાબરીયા, તેના સાળી ધર્મિષ્‍ઠા અને દિકરા મોક્ષને તથા અજયભાઇના સાઢુ અનિલભાઇની દિકરી શ્રેયાને ઇજાઓ થઇ હતી. બાકીનાનો બચાવ થયો હતો. અજયભાઇ અને સાળીને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યારે માસુમ મોક્ષ (ઉ.વ.૩) અને શ્રેયા (ઉ.વ.૯ મહિના)ને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. અહિ બંનેને તબિબે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો.

મોક્ષ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા અજયભાઇ બાબરીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. જ્‍યારે શ્રેયા એક ભાઇથી નાની હતી. બંને સાઢુએ એક સાથે સંતાન ગુમાવતાં બંનેના પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો હતો. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.  ઘટનાને પગલે બેડી, વાંકાનેરના કોળી પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૧૧)

(11:31 AM IST)