<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

લીંબડીમાં ભરબજારે યુવાનને પતાવી દેવાયો!

પ્રેમલગ્નની અદાવતમાં જંગ ખેલાયોઃ લીયાદ ગામના યુવાનનો ભોગ લેવાયોઃ ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૫: લીંબડીમાં જુના બસ સ્‍ટેન્‍ડ નજીક જાહેરમાં મારામારીની ઘટના બની હતી. બે યુવકો પર લાકડી તેમજ છરી લઈ પાંચથી વધુ શખ્‍સો તૂટી પડ્‍યા હતા. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. જેથી સમગ્ર ઘટના હત્‍યામાં પરિણમી છે.

લીંબડી તાલુકાના લીયાદ ગામના વતની હિતેશભાઈ હેમુભાઈ સુરેલા પોતાના મિત્રો વિજયભાઈ અને દીપકભાઈ સાથે ઉત્તરાયણની ખરીદી કરવા માટે લીંબડી શહેર આવ્‍યા હતા. તહેવારનો માહોલ હોવાથી મિત્રો ઉત્‍સાહમાં હતા અને પતંગ-દોરી જેવી વસ્‍તુઓની ખરીદી કરવાના આશયથી બજારમાં પહોંચ્‍યા હતા.

જ્‍યારે હિતેશભાઈ અને તેમના મિત્રો ખરીદીમાં વ્‍યસ્‍ત હતા, ત્‍યારે અચાનક ત્રણથી ચાર જેટલા અજાણ્‍યા શખ્‍સો ત્‍યાં ધસી આવ્‍યા હતા. કોઈ કાંઈ સમજે તે પહેલાં જ આ શખ્‍સોએ હિતેશભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ અત્‍યંત નિર્મમ રીતે હુમલો કરતા આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

તીક્ષ્ણ હથિયારોના ઘા વાગવાને કારણે હિતેશભાઈ લોહીલુહાણ હાલતમાં ત્‍યાં જ ઢળી પડ્‍યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે હિતેશભાઈનું ઘટનાસ્‍થળે જ અથવા હોસ્‍પિટલ પહોંચતા પૂર્વે મોત નીપજ્‍યું હતું. આ હુમલામાં અન્‍ય મિત્રોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ લોહિયાળ ખેલ અંગત અદાવતમાં ખેલાયો હોવાનું બહાર આવ્‍યું છે.  હુમલામાં અન્‍ય એક યુવાનને પણ છરી વાગી જતાં ઇજાગ્રસ્‍ત થયો છે. મળતક યુવાનના પરિવારની યુવતીએ લિયાદ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ઝઘડા થતા હોય તેના મનદુઃખ બાબતે હુમલો કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે.

(11:46 AM IST)