News of Thursday, 15th January 2026
ગીર સોમનાથનું કોડીનાર અને દરિયાકાંઠાના વિસ્તારો આજે પતંગોથી મુક્ત છે. તેનું પ્રથમ કારણ છે અહીં પધારતા યાયાવર પક્ષીઓ
જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે અહીંના આકાશમાં પતંગોની કાપાકાપી નહીં, પણ પક્ષીઓનો કલરવ સંભળાય છે : અહીં ઉત્તરાયણમાં પતંગો ઉડતા નથી

ગીરસોમનાથ તા.૧૫ : આખું રાજ્ય 'કાપ્યો છે'ના નાદ સાથે ઉત્તરાયણના રંગમાં રંગાયું છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે. અહીંના આકાશમાં પતંગોની કાપાકાપી નહીં, પણ પક્ષીઓનો કલરવ સંભળાય છે. જાણો શા માટે અહીં ઉત્તરાયણમાં પતંગો ઉડતા નથી.
ગીર સોમનાથનું કોડીનાર અને દરિયાકાંઠાના વિસ્તારો આજે પતંગોથી મુક્ત છે. તેનું પ્રથમ કારણ છે અહીં પધારતા યાયાવર પક્ષીઓ છે. બરડા અને પીપળવા બંધારામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. પતંગની દોરી આ પક્ષીઓ માટે જીવલેણ ન બને તે માટે અહીંના પ્રકૃતિપ્રેમી લોકો પરંપરાગત રીતે ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાનું ટાળે છે.
બીજું કારણ ઉત્તરાયણ દરમિયાન અહીં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા પતંગ ચગાવવા માટે સાનુકૂળ હોતી નથી. આથી વર્ષોથી અહીં પતંગનો મહોત્સવ ઉત્તરાયણમાં નહીં પણ ભાદરવા મહિનામાં મનાવવામાં આવે છે. ભાદરવામાં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતા નૈઋત્યના પવનો પતંગ ચગાવવા માટે ઉત્તમ ગણાય છે. વળી તે સમયે અનાજ પાકી ગયું હોવાથી પક્ષીઓને ઊંચી ઉડાન ભરવાની જરૂર રહેતી નથી, જેથી તેઓ સુરક્ષિત રહે છે.
પતંગ ઉડાડવાને બદલે અહીંના લોકો ઉત્તરાયણ પર્વ પર દાન-ધર્મને પ્રાથમિકતા આપે છે. મંદિરોમાં અનાજ, તલ-મમરાના લાડુ અને રોકડ રકમનું દાન કરવામાં આવે છે. યુવાનો પણ જાગૃત બની પક્ષીઓને ચણ નાખે છે અને ભજન-કીર્તનમાં જોડાય છે. આમ ગીર સોમનાથના લોકોએ પક્ષીઓના રક્ષણ માટે પોતાની મોજ-મસ્તીનો ત્યાગ કરીને સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
