<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

લંડનથી કચ્છ આવેલા NRI ને ૯ દિ’ ડિજિટલ એરેસ્ટ કરી ૧.૧૧ કરોડની ઠગાઈ

મુંબઈની કોલાબા પોલીસને નામે મની લોન્ડરિંગનો દમ ભરાવી ઠગાઈ. સાયબર ક્રાઇમ ઉપર અંકુશ રાખવો પડકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  પોલીસ કે અન્ય કોઈ પણ સરકારી એજન્સીઓ ક્યારેય ડિજિટલ એરેસ્ટ નથી કરતી એવી વારંવારની જાહેરાતો બાદ પણ લોકો ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈ રહ્યા છે. લંડનના હેરો સીટીથી વતન કચ્છના કેરા (તા.ભુજ) આવેલા ૭૧ વર્ષીય વૃદ્ધ મનજી રામજી પટેલને મુંબઈ કોલાબા પોલીસના નામે મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને ૯ દિવસ ડિજિટલ એરેસ્ટ તરીકે તેમના ઘેર જ રાખી ૧ કરોડ ૧૧ લાખ રૂપિયાની ઠગાઈના બનાવે કચ્છમાં ચકચાર સર્જી છે. ગત ૨૯ ડિસેમ્બરે અજાણી મહિલાએ ફોન કરી તેમનું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલું હોવાનું જણાવી થોડા ટાઇમમાં બંધ થઈ જશે એવું કહી વધુ માહિતી માટે કોલાબા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે અને વાત કરવા જણાવ્યું હતું. એટલે ફરિયાદી વૃદ્ધ મનજીભાઈનો ફોન તુરંત વ્હોટ્સ એપ કોલ સાથે કનેક્ટ થયો હતો. ત્યાંથી પોલીસ ડ્રેસમાં હિન્દી ભાષામાં વાત કરી મુંબઇ કોલાબા પોલીસ સ્ટેશને હાજર થવા જણાવ્યું હતું જોકે, પોતે ગુજરાત રહે છે એવું કહેતા તેમને ડિજિટલ એરેસ્ટ તરીકે ઘેર રહેવાનું કહી મની લોન્ડરિંગના કેસ અંગે તેમની સંપત્તિની વિગતો આપવા જણાવ્યું હતું. એટલે મનજીભાઈએ પોતાની અને પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ એફડી વિશે માહિતી આપી હતી. વૃદ્ધ એકલા છે એવું જાણી ગયેલા સાયબર ઠગ ટોળકીએ ટ્રાઈ અને ઈડી ના નામે વોરંટ મોકલી કોર્ટથી બચવા માટે તેમના રૂપિયાની તમામ વિગતો માંગી હતી. ડિજિટલ એરેસ્ટ કરી તેના ભય તળે સાયબર ઠગોએ ટુકડે ટુકડે ૫૦ લાખ, ૨૭ લાખ, ૧૬ લાખ, ૧૮ લાખ એમ કુલ મળી ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. આ બાબતે મનજીભાઈએ પોતાના ભાણેજને વાત કરતા તેમણે ડિજિટલ સાયબર ક્રાઈમ થયો હોવાનું જણાવતાં અંતે મામલો સાયબર હેલ્પલાઈન દ્વારા પોલીસને દ્વારે પહોંચ્યો છે. આ અંગે કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:57 AM IST)