<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પોરબંદરમાં પાકિસ્‍તાનની બોટના ૯ માછીમારોની સુરક્ષા એજન્‍સી દ્વારા પુછપરછ

ભારતીય જળસીમાની અંદર ઘુસી ગયેલી પાકિસ્‍તાનની ફિશીંગ બોટ ‘અલમદિના'ને માછીમારો સાથે કોસ્‍ટ ગાર્ડે ઝડપીને પોરબંદર લાવ્‍યાઃ બોટમાં વાંધજનક વસ્‍તુઓ છે કે નહી? તે અંગે તપાસ

 

ભારતીય કોસ્‍ટ ગાર્ડે ઝડપી લીધેલા પાકિસ્‍તાનના ૯ માછીમારો તથા જપ્ત થયેલી પાકિસ્‍તાનની બોટની તસ્‍વીરો.(૬.પ)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬: કચ્‍છની પાસે આંતરાષ્‍ટ્રીય જળસીમાની અંદર ઘુસી ગયેલી પાકિસ્‍તાનના ૯ માછીમારો સાથેની ‘અલમદિના' નામની બોટને ભારતીય કોસ્‍ટ ગાર્ડે ઝડપીને પોરબંદર લાવ્‍યા છે. પાકિસ્‍તાનના આ ૯ માછીમારોની અલગ અલગ સુરક્ષા એજન્‍સીઓ દ્વારા સંયુકત પુછપરછ કરીને પાકિસ્‍તાનની આ બોટમાં શંકાસ્‍પદ અને વાંધાજનક વસ્‍તુઓ છે કે કેમ..? તેની સધન તપાસ શરૂ કરાઇ છે.

આંતરરાષ્‍ટ્રીય દરિયાઈ જળસીમામાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સતર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાકિસ્‍તાનની એક ફિશિંગ બોટને પકડી પાડવામાં આવી છે, જેમાં કુલ નવ ખલાસીઓ હાજર હોવાનું જાણવા મળ્‍યું છે. કોસ્‍ટગાર્ડના જવાનો જ્‍યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્‍યારે તેમને એક બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્‍શનમાં આવી બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ ૯ શખ્‍સને રાઉન્‍ડઅપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને પોરબંદર કિનારે લાવવામાં આવી છે.

કોસ્‍ટગાર્ડની તપાસ દરમિયાન જાણવા મળ્‍યું કે બોટ પાકિસ્‍તાનની હોવાનું સ્‍પષ્ટ થયું હતું. બોટનું નામ અલ મદીના હોવાનું બહાર આવ્‍યું છે, જેમાં નવ પાકિસ્‍તાની માછીમારો ખલાસી તરીકે સવાર હતા. કોસ્‍ટ ગાર્ડ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધર્યા બાદ બોટ તથા ખલાસીઓને કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા હતા. હાલ બોટને પોરબંદર લઇ આવેલ છે. જ્‍યાં આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

પોરબંદરમાં આ માછીમારોની સુરક્ષા એજન્‍સી અને અન્‍ય સંબંધિત વિભાગો દ્વારા ખલાસીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે. બોટ આંતરરાષ્‍ટ્રીય જળસીમામાં કેવી રીતે પ્રવેશી? તેનો ઉદ્દેશ શું હતો તેમજ કોઈ ગેરકાયદે પ્રવળત્તિ સાથે સંકળાયેલી હતી કે નહીં તે આવી મુદ્દે તપાસ શરૂ થઇ છે.

આ ઘટનાને લઈ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. જળ સીમાની અંદર ઝડપાયેલા તમામ નવ પાકિસ્‍તાનીઓને દરિયાકાંઠે લાવ્‍યા બાદ, ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરો મરીન પોલીસ અને અન્‍ય સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તેમની સંયુક્‍ત પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરિયામાં સુરક્ષા એજન્‍સીઓ અત્‍યારે હાઈ એલર્ટ પર છે અને સુરક્ષા એજન્‍સી દ્વારા પાકિસ્‍તાનના ઝડપાયેલા માછીમારોની પુછપરછ શરૂ થઇ છે.(૬.પ)

(11:15 AM IST)