<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

જૂનાગઢના ડો. સુભાષ ફાઉન્ડેશનને 50 વર્ષ પૂર્ણ થતા "આવો શિક્ષિત બનીએ" અભિયાન શરૂ

5 જિલ્લાના 30 તાલુકા, 25 શહેરો અને 2000 ગામડાઓમાં જઈ 10 લાખ લોકોને શિક્ષણ અંગે જાગૃત કરવાનું લક્ષ્ય : જવાહર ચાવડા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ : જૂનાગઢમાં 1976 માં અગ્રણી કેળવણીકાર પેથલજી ચાવડા દ્વારા શિક્ષણની જ્યોત પ્રજવલિત કરાઈ હતી. ડો. સુભાષ મહિલા કોલેજથી શરૂ કરીને આજે 20 થી વધુ સંસ્થાઓ કાર્યરત છે. ડો. સુભાષ ફાઉન્ડેશનને 2026માં 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ડો. સુભાષ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતિની ઉજવણી સંપૂર્ણપણે શિક્ષણને સમર્પિત છે. આ માટે "આવો શિક્ષિત બનીએ" અભિયાન ચલાવવામાં આવનાર છે. આ અંગે સુભાષ યુનિવર્સિટીના જવાહર ચાવડા અને રાજ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે "આવો શિક્ષિત બનીએ" અભિયાન શરૂ કર્યું છે. ડો. સુભાષ ફાઉન્ડેશનનું લક્ષ્ય છે કે, 5 જિલ્લાના 30 તાલુકાના 25 શહેરો અને 2000 ગામડામાં જઈ 10 લાખ લોકો સુધી શિક્ષણનો સંદેશ પહોંચાડવો. "શિક્ષણ માટે શિક્ષિત" કરવાનો આ અમારો અનેરો પ્રયાસ છે. આમાં 4 વાન - શિક્ષણ રથ ( ડિસ્પ્લે વેન) સૌરાષ્ટ્રભરમાં ગામડે ગામડે ફરીને લોકોને શિક્ષણ અંગે જાગૃત કરશે. જેમાં શિક્ષણનું મહત્વ, મોટીવેશનલ સ્પીકરના મંતવ્યો - વ્યાખ્યાનો વગેરેની શોર્ટ ફિલ્મ દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવશે. સાથે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ સફળતા મેળવનાર શ્રેષ્ઠિઓનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંદેશ પહોંચાડવામાં આવશે. 4 શિક્ષણ વેનમાં શિક્ષણનું મહત્વ દર્શાવતી 3 ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દ્વારા સમાજમાં એ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ રહેશે કે શિક્ષણ માત્ર ડિગ્રી માટે નથી પરંતુ સજ્જન નાગરિક, સશક્ત સમાજ અને વિકસિત રાષ્ટ્ર ઘડવાનો આધાર છે.

 

સંસ્થાના ફાયદા માટે નહીં 

 

આ શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનો એકમાત્ર અને સ્પષ્ટ ઉદ્દેશ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજને શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. આ અભિયાન દરમિયાન ડો. સુભાષ ફાઉન્ડેશન કે તેની સંલગ્ન સંસ્થાઓના નામનો પ્રચાર અથવા પ્રસાર અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. મોટીવેશનલ સ્પીકરના ઉદબોધનમાં પણ ક્યાંય ડો. સુભાષ ફાઉન્ડેશન કે યુનિવર્સિટીનું નામ લેવામાં નહીં આવે.તેમ રાજ ચાવડા, પ્રમુખ, ડો.સુભાષ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:06 PM IST)