<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

શાપર-વેરાવળમાં ‘હપ્‍તો' માંગી વેપારી ઉપર ખૂની હૂમલો કરનાર ત્રિપુટીનો પોલીસે વરઘોડો કાઢયો

 

(કમલેશ વસાણી દ્વારા) શાપર-વેરાવળ તા.૧૬: શાપર વેરાવળમાં હપ્‍તો માંગી વેપારી ઉપર ખૂની હુમલો કરવાની ગંભીર ઘટનાને લઈને શાપર વેરાવળ પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી કરી છે. શીતળા મંદિર વિસ્‍તારમાં થયેલી જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં વરઘોડો કાઢી ઘટનાનું રીકન્‍સ્‍ટ્રક્‍શન કર્યું હતું. મળતી વિગતો મુજબ શાપર વેરાવળના શીતળા મંદિર નજીક આવેલી ‘‘ઝાલાવાડી પાન'' નામની દુકાનમાં સાગર, યોગેશ ઉર્ફે બાલો અને રાજદીપ ઉર્ફે રાપીયો નામના ત્રણ શખ્‍સોએ ધસી જઇ દુકાન સંચાલક પાસે દર મહિને હપ્તાની માંગ કરી હતી. દુકાન સંચાલકે હપ્તો આપવાનો ઇનકાર કરતા ત્રણેય આરોપીઓ ઉગ્ર બની ઝપાઝપી પર ઉતરી આવ્‍યા હતા. મારામારી દરમિયાન દુકાન સંચાલકના ભાઈને બચાવવા જતા ફરિયાદી પર આરોપીઓએ ધારદાર ખૂણાવાળા લાકડાના ધોકા વડે માથાના ભાગે ખૂની હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્‍તના કપાળ પર ચાર ટાંકા લેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. ઘટનાસ્‍થળે લોકો ભેગા થતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્‍તને તાત્‍કાલિક શાપર સ્‍થિત કળષ્‍ણા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

 આ મામલે ઇજાગ્રસ્‍ત દ્વારા શાપર પોલીસ સ્‍ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે કાયદેસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં વરઘોડો કાઢી ઘટનાનું રીકન્‍સ્‍ટ્રક્‍શન કર્યું હતું. આ કામગીરી સામે પોલીસની કડક કાર્યવાહીથી લોકોમાં પ્રસંશા થઇ રહી છે. હાલ શાપર વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(

(4:03 PM IST)