News of Saturday, 17th January 2026
ધ્રોલ-રાજકોટ હાઈવે રકતરંજિતઃ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતઃ ૨૬ વર્ષીય યુવાનનું મૃત્યુ
નિયતિની ક્રૂરતાઃ ૧૫ દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગૂમાવી, ધ્રોલ રહેતા સુમરા પરિવારના એકનો એક પુત્ર અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૭: ધ્રોલ-રાજકોટ હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે. જાયવા અને લૈયારા ગામ વચ્ચે આવેલી આશાપુરા હોટલ પાસે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ધ્રોલના આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ ધ્રોલના રહેવાસી અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી (ઉંમર ૨૬) પોતાની કિયા સેલટોસ કાર લઈને રાજકોટથી ધ્રોલ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં કાળમુખા ટેન્કર સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અરબાજભાઈને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે, મળતક અરબાઝ તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. અરબાઝ ના લગ્ન થઈ ગયા હતા અને માત્ર ૧૫ દિવસ પહેલા જ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. પુત્રીના આગમનનો હરખ હજુ પરિવારમાં શમ્યો નહોતો ત્યાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવતા સમગ્ર પંથકમાં અને સુન્ની સુમરા સમાજમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતક યુવાન ધ્રોલ ખાતે ઓલા ઈલેક્ટ્રીક બાઈક શોરૂમમાં નોકરી કરતા હતા
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તથા રવિરાજસિંહ જાડેજા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મળતદેહનું પીએમ કરાવી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક માસૂમ બાળકીએ પિતાની અને માતા-પિતાએ પોતાના એકમાત્ર દીકરાની છત્રછાયા ગુમાવી છે.
જાયવા પાસેની કરૂણ ઘટનાથી સુમરા સમાજમાં શોકની લાગણી
રાજકોટ તા.૧૭: જાઇવા ગામે લીયારા ડાડાપીરની દરગાહ પાસે અતીશય કરૂણ ઘટના અરબાઝ મુસ્તાકભાઇ તાયાણી ના એક્સીડન્ટ મા બની ગઇ, અને સમગ્ર સુમરા સમાજ શોકમાં ડૂબી ગયો છે ત્યારે આના માટે કોને દોષ આપવો? માબાપ ને શું સમજવું. !?! જે મા બાપ ને ઘડપણમાં સંતાન ની જરૂર હોય ત્યારે જ તે સંતાન સાથ છોડી જાય તે ખરેખર આઘાત જનક કહેવાય. તમારું સંતાન જ્યારે ઘર બહાર જાય તો તમે તેને સમજાવો, કે ગાડી સ્પીડમાં ચલાવી સમજદારી નથી પણ સલામત વાહન ચલાવુ સમજદારી છે, બને તો ગાડીમાં આજની ટેકનોલોજી પ્રમાણે જીપીએસ ફીટ કરાવુ જેથી કરીને ઘરે ખબર પડે કે તમારૂ સંતાન કેટલી સ્પિડમાં ચાલે છે. તમારા સંતાન જુવાન થાય તો તેમને સમજાવો કે પરીવાર માટે તમે શું છો, તમારા માટે પરીવાર શું છે !ર્!ં તેમને સફરની દુઆ શિખવાડો, સદકા ની અહેમીયત બતાવો કે ઘર ની બહાર સફરમાં નીકળે તો લોકો સદકા કાઢીને નીકળે. અલ્લાહ તમામ મુસલમાનોને નેક હિદાયત આપે અને મર્હુમના ઘરનાંને તથા તમામ સુમરા સમાજને સબ્રે જમિલ અતા કરે..તેમજ મર્હુમને ગઇ મુબારક રાતના સદકાથી જન્નતમાં આલા મકામ અતા કરે આમીન તેવુ એક યાદીમાં રાજકોટ સુમરા સમાજના પ્રમુખ હાજી અ.કરીમભાઇ દોદાણી, ઉપપ્રમુખ મહેબુબભાઇ જીવરાણીએ આ ઘટનાથી દુઃખ વ્યકત કરતા જણાવ્યું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
