<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

યાત્રાધામ બેટ દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણનો વિરોધ: મંદિરમાં યજમાનવૃત્તિ પર રોક સામે કાળી પટ્ટી બાંધી આંદોલન કરશે

બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા ગૂગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિના સભ્યોને મંદિરની અંદર યજમાનવૃત્તિ કરવાની મનાઈ ફરમાવતા વિવાદ

યાત્રાધામ બેટ દ્વારકાના જગવિખ્યાત મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પર રોક લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા ગૂગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિના સભ્યોને મંદિરની અંદર યજમાનવૃત્તિ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓના આ નિર્ણય સામે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 

ગૂગળી બ્રાહ્મણ સમાજનો દાવો છે કે તેઓ પેઢી દર પેઢીથી મંદિર પરિસરમાં યજમાનવૃત્તિ (ધાર્મિક વિધિ-વિધાન) કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 20 દિવસથી સમિતિ દ્વારા તેમને આ વિધિ કરતા અટકાવવામાં આવ્યા છે. હાલમાં નાતાલના મીની વેકેશન દરમિયાન જ્યારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, ત્યારે જ આ કામગીરી બંધ કરાતા અનેક બ્રાહ્મણ પરિવારો બેરોજગાર બન્યા છે.

 

ટ્રસ્ટીઓના આ વલણને 'અમાનુષી ત્રાસ' ગણાવીને બ્રાહ્મણો હવે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. જે મુજબ, બ્રાહ્મણો હાથ પર કાળી પટ્ટી બાંધી મંદિરની બહાર મંત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવશે. જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે, તો બ્રાહ્મણો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને બ્રાહ્મણો વચ્ચેનો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

(11:49 PM IST)