News of Sunday, 18th January 2026
જામનગરમાં AI વડે ધારાસભ્યને બદનામ કરનાર ગેંગનો પર્દાફાશ: પિતા-પુત્ર બાદ હવે 'ભેદી' સાથીદાર પણ પોલીસની જાળમાં
ધારાસભ્ય રાઘવજી પટેલ અને નામી બિલ્ડરોની પ્રતિષ્ઠા ખરડવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખતરનાક ખેલ; ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી ખંડણી વસૂલતી ટોળકીનો વધુ એક સાગરીત ધ્રોલથી દબોચાયો, 19 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

જામનગર:જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય નેતાઓ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓને નિશાન બનાવતા સાયબર માફિયાઓના રેકેટમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. ધારાસભ્ય અને જાણીતા બિલ્ડરોની ઓળખ ચોરી કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરી વાંધાજનક પોસ્ટ બનાવી બદનામ કરનારી ટોળકીનો વધુ એક સાગરીત હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પિતા-પુત્રની ધરપકડ બાદ હવે ધ્રોલના 63 વર્ષીય રાજેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ થતા આ ખંડણીખોર ટોળકીના મૂળિયાં કેટલા ઊંડા છે તે બહાર આવી રહ્યું છે. જામનગર સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનાહિત કાવતરામાં ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસનો વ્યાપ વધાર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે સપ્ટેમ્બર-2025 દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર 'વિશાલ કણસાગરા' નામના આઈડી પરથી હલચલ મચી ગઈ હતી. આ એકાઉન્ટ દ્વારા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તેમજ શહેરના નામી બિલ્ડરો જમનભાઈ ફળદુ અને જશ્મીનભાઈના ફોટાઓનો ઉપયોગ કરી એઆઈની મદદથી એડિટીંગ કરીને બિભત્સ અને વાંધાજનક સામગ્રી વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટનો મુખ્ય હેતુ માત્ર બદનક્ષી કરવાનો જ નહીં, પરંતુ ત્યારબાદ આ મહાનુભાવો પાસેથી મોટી રકમની ખંડણી પડાવવાનો હતો. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ધ્રોલની સહજાનંદ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકીની ભૂમિકા આ રેકેટમાં 'બાતમીદાર' અને 'માહિતી પૂરી પાડનાર' તરીકેની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજેન્દ્રસિંહ આ ટોળકીના મુખ્ય સૂત્રધાર વિશાલ સુધી ટાર્ગેટ કરવામાં આવેલા વ્યક્તિઓની ખાનગી વિગતો અને અન્ય જરૂરી માહિતી પહોંચાડતો હતો. આરોપીએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને ગુનાહિત કાવતરામાં સક્રિય સાથ આપ્યો હોવાના મજબૂત પુરાવા મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. વૃદ્ધ હોવા છતાં આધુનિક સાયબર ક્રાઈમના કાવતરામાં તેની સંડોવણી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
ધરપકડ બાદ આરોપી રાજેન્દ્રસિંહ સોલંકીને જામનગરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે આરોપીના તા. 19 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અન્ય કેટલા નેતાઓ કે બિલ્ડરોને બ્લેકમેલ કર્યા છે અને આ રેકેટમાં હજુ અન્ય કેટલા સફેદપોશ ગુનેગારો સામેલ છે. આગામી દિવસોમાં આ મામલે હજુ પણ મોટા નામો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે જામનગરના રાજકીય અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
