<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

SIT સમક્ષ મહિલા PI ડી.વી. ડાંગર નંબર પ્લેટ વગરની કારમાં હાજર થયાઃ ચર્ચા

બગદાણા કેસમાં ચાર દિવસ પહેલા તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર અને PI કે.એસ. પટેલને હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો.

ભાવનગરઃ  સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા હુમલા કેસમાં SIT એ તપાસનો ગાળિયો કસ્યો છે. આ કેસમાં કથિત બેદરકારી બદલ શંકાના દાયરામાં આવેલા બે પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવ્યા બાદ આજે તેઓ SIT સમક્ષ હાજર થયા છે.

SIT દ્વારા ચાર દિવસ પહેલા તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર અને PI કે.એસ. પટેલને હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો.

જેમાં મહિલા PI ડી.વી. ડાંગર આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે જે કિઆ કારમાં સવાર થઈને આવ્યા હતા, તેમાં એકપણ નંબર પ્લેટ જોવા મળી ન હતી, જેણે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. પીઆઈ કે.એસ. પટેલ નિર્ધારિત સમય સુધી હાજર ન થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

SIT ની ટીમ (1 IPS, 1 PI, 1 PSI અને 2 હેડ કોન્સ્ટેબલ) હવે આ અધિકારીઓએ શરૂઆતના દિવસોમાં કરેલી તપાસ અને ફરિયાદ નોંધવામાં દાખવેલી કાર્યપદ્ધતિ અંગે સઘન પૂછપરછ કરી રહી છે.

હુમલા કેસમાં SIT એ વધુ એક આરોપી સંજય ચાવડા (પાલિતાણા) ની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેનું નામ ખૂલ્યું હતું. અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

ભોગ બનનાર નવનીત બાલધિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અંગે માયાભાઈ આહીર સાથે થયેલી વાતચીત બાદ માયાભાઈએ માફીનો વીડિયો મોકલ્યો હતો. આ વાત માયાભાઈના પુત્ર જયરાજ આહીરને લાગી આવતા તેણે આખું ષડયંત્ર રચ્યું હોવાનો નવનીતભાઈનો દાવો છે. તેમણે પોલીસ પર કેસ ડાયવર્ટ કરવાનો આરોપ લગાવી માંગ કરી છે કે, હુમલા સમયે કોને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો તેની નિષ્પક્ષ તપાસ થાય.

આ કેસમાં ન્યાય અપાવવા માટે ૫ જાન્યુઆરીએ કોળી સમાજના કદાવર નેતા પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને ૧૫ જેટલા ધારાસભ્યો અને સાંસદો એકત્ર થયા હતા. કુંવરજી બાવળિયા, હીરા સોલંકી અને નિમુબેન બાંભણિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી SIT તપાસની માંગ કરી હતી, ત્યારબાદ આ ટીમે તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની યાદી:

          1) નાજુ કામળીયા (મુખ્ય સૂત્રધાર) 2) રાજુ ભમ્મર 3) આતું ભમ્મર 4) વિરેન્દ્રસિંહ પરમાર 5) સતીષ વનાળીયા 6) ભાવેશ શેલાણા 7) પંકજ મેર 8) વીરુ સેરડા 9) કાના ભીખા કામળિયા 10) સંજય ચાવડા (નવી ધરપકડ)

(2:49 PM IST)