<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ધ્રોલની ઝવેલર્સની દુકાનમાં બાકોરું પાડી રૂ. ૨૭ લાખની ચોરી કરનાર દાહોદની ‘મજૂર ગેંગ’ ઝડપાઈ : જામનગર LCB એ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો : જુઓ વિડીયો

૧૧ કિલો ચાંદી અને ૧૭૫ ગ્રામ સોનાના દાગીના સહિત કુલ રૂ. ૨૭.૯૬ લાખનો મુદ્દામાલ કબજે : દિવાલ તોડી ચોરી કરનાર ત્રણ ખેતમજૂરોને હથિયારો અને બાઈક સાથે દબોચી લેતી પોલીસ

જામનગર : ધ્રોલ નગરપાલિકાની સામે આવેલા "તુલજાભવાની ઝવેલર્સ" માં ગત તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે થયેલી સનસનીખેજ ચોરીનો જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કાર્યરત LCB ની ટીમે ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સના સંકલનથી દાહોદ જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
ઘટનાની વિગત:
હડિયાણાના વતની પ્રકાશભાઈ હેમતલાલ સોનીની ધ્રોલ સ્થિત દુકાનમાં તસ્કરોએ પાછળની દિવાલમાં મોટું બાકોરું પાડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી ૨૬.૯૬ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ગુનો વણશોધાયેલ હોવાથી LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. લગારીયા અને તેમની ટીમ સતત તપાસમાં હતી.
બાતમી અને ધરપકડ:
LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખેતમજૂરી કરતા કેટલાક શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે અને તેઓ ચોરીના દાગીના સાથે બાઈક પર જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. પોલીસે ચામુંડા પ્લોટ પાસે વોચ ગોઠવીને ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હિંમતભાઈ પાંગળાભાઈ મહેડા (રહે. કેશિયા), શૈલેષભાઈ નવલસિંગ મહેડા (રહે. લખતર) અને ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા (રહે. રંગપર) નો સમાવેશ થાય છે. આ ત્રણેય શખ્સો મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામના વતની છે.
કબજે કરેલો મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
 * સોનાના દાગીના: આશરે ૧૭૫ ગ્રામ (વીંટી, ચેઈન, પેન્ડલ સેટ વગેરે) - કિંમત રૂ. ૧૭.૫૦ લાખ.
 * ચાંદીના દાગીના: કુલ ૧૧ કિલોગ્રામ (સાંકરા, લકી, કંદોરા, મૂર્તિ, છતર વગેરે) - કિંમત રૂ. ૯.૪૬ લાખ.
 * અન્ય: ૦૪ મોબાઈલ ફોન, ૦૨ મોટરસાયકલ અને ચોરીમાં વપરાયેલ લોખંડના સળિયા.
 * કુલ મુદ્દામાલની કિંમત: રૂ. ૨૭,૯૬,૧૦૦/-
ચોરીની પદ્ધતિ (MO):
આરોપીઓ ખેતમજૂરીના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેમણે લોખંડના સળિયા વડે દુકાનની દિવાલમાં ગાબડું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. રાત્રિના અંધકારનો લાભ લઈ તેઓ કિંમતી ઘરેણાં ચોરી ગયા હતા. આ કામગીરીમાં LCB ના પીએસઆઈ સી. એમ. કાંટેલીયા, એમ. વી. ભાટીયા અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 PM IST)