News of Sunday, 18th January 2026
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના 'લગ્નમાં વધતા ખર્ચ' અંગેના નિવેદનને ખોડલધામ ટ્રસ્ટે સમર્થન આપ્યું
પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ કહ્યું કે લગ્ન એ સંસ્કાર છે, ખેલ નથી: તેમણે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા અને વધતા છૂટાછેડા રોકવા માટે માતા-પિતાને સંતાનોને સમજાવવા અપીલ કરી:સમાજમાં સાદગી અપનાવવી અનિવાર્ય

રાજકોટ :લગ્ન પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ અને વધતા જતા છૂટાછેડાના પ્રમાણને લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલા નિવેદનને સમર્થન મળી રહ્યું છે, લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનને ખુલ્લું સમર્થન જાહેર કરાયું છે,ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, પરસોત્તમભાઈએ જે વાત કરી છે તે સમાજની વાસ્તવિકતા છે અને તે દિશામાં ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
હસમુખભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, "આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં જે પ્રકારે અતિશય ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર ચિંતાનો વિષય છે. દેખાદેખીમાં આવીને લોકો પોતાની ક્ષમતા બહાર જઈને ખર્ચ કરે છે, જે આર્થિક રીતે પણ નુકસાનકારક છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ખોડલધામ સંસ્થા હંમેશા સાદગીના પક્ષમાં રહી છે. ખોડલધામ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આવતો આર્થિક બોજ ઓછો કરવાનો અને સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે.
સનાતન હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા ખોડલધામના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન એ કોઈ ખેલ નથી, પરંતુ તે જીવનના સોળ સંસ્કારોમાંનો એક પવિત્ર સંસ્કાર છે. વર્તમાન સમયમાં યુગલોમાં વધતા જતા છૂટાછેડાના પ્રમાણ પર પણ હસમુખભાઈએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, નાની-નાની વાતોમાં સંબંધો તૂટી રહ્યા છે જે સામાજિક માળખા માટે જોખમી છે. આ બાબતે માતા-પિતાની ભૂમિકા અત્યંત મહત્વની છે. વાલીઓએ પોતાના સંતાનોને લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની અને પરસ્પર સમજૂતીથી રહેવાની શીખ આપવી જોઈએ. જો વડીલો મધ્યસ્થી બનીને સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપે, તો છૂટાછેડાના કિસ્સામાં મોટો ઘટાડો થઈ શકે છે. પરસોત્તમભાઈ રૂપાલાના આ નિવેદનને ખોડલધામ જેવી મોટી સંસ્થાનું સમર્થન મળતા હવે સામાજિક સ્તરે 'સાદા લગ્ન, સુખી જીવન'ની ચર્ચાએ જોર પકડ્યું છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
