<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

જેતપુરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટની મુલાકાત

જેતપુર, તા. ર૦: ગુજરાત પ્રદેશ સંગઠનના હોદ્દેદારો લેઉવા પટેલ સમાજના આસ્‍થા કેન્‍દ્ર એવા ખોડલધામ ખાતે શિસ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા, પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ પ્રથમ વખત પ્રશાંત કોરાટ ખોડલધામ ખાતે દર્શન કરવા આવ્‍યા હતા, તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચાના અંજુબેન તેમજ નીરવભાઈ અમીન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીનો ખેસ પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું, તેમજ પ્રદેશ સંગઠનના આગેવાનોના આગમનને લઈ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્‍યામાં ખોડલધામ મંદિર ખાતે ઉમટી પડ્‍યા હતા, અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે તમામ પ્રદેશ હોદ્દેદારોને શુભેચ્‍છા પાઠવી હતી.

ત્‍યાર બાદ પોતાના માદરે વતન જેતપુર ખાતે આવતા પ્રશાંત કોરાટ આતશબાજી અને ડીજે સાથે સ્‍વાગત કરાયું હતું. ઠેરઠેર અદકેરું સન્‍માન કરવા કાર્યકર્તાઓ થનગની રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્‍યું હતું, પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી મળ્‍યા બાદ મા ખોડલના આશીર્વાદ મેળવ્‍યા. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂકયો છે, તે વિશ્વાસ પર ખરો ઉતરવા સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરશું.

(12:59 PM IST)