<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

વીરપુર જલારામધામમાં આસ્‍થાનો ત્રિવેણી સંગમઃ ભેટ-સોગાદ ન સ્‍વીકારવાના ઐતિહાસિક નિર્ણયને ૨૫ વર્ષ પૂર્ણ

વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્‍યાં શ્રદ્ધાળુઓ પાસેથી એક રૂપિયો પણ લેવાતો નથીઃ ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ લેવાયો હતો ક્રાંતિકારી નિર્ણયઃ ‘દેને કો ટુકડા, ભલા કો રામ': પૂજ્‍ય બાપાનું સદાવ્રત ૨૦૬ વર્ષથી અવિરત, આજે પણ હજારો ભાવિકો લે છે વિનામૂલ્‍યે મહાપ્રસાદઃ ઝોળી-ધોકાની સાક્ષીએ બિરાજમાન સ્‍વયંભૂ હનુમાનજીનો પણ આજે પ્રાગટય દિવસ

રાજકોટ તા.૨૦: સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે ભક્‍તિ અને ત્‍યાગનો ત્રિવિધ ઉત્‍સવ ઉજવાઈ રહ્યો છે. પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યામાં ભેટ-સોગાદ કે રોકડ રકમ સ્‍વીકારવાનું બંધ કર્યાને આજે ૨૫ વર્ષ (રજત જયંતિ) પૂર્ણ થયા છે. આજના ભૌતિક યુગમાં જ્‍યાં ધર્મનું વ્‍યાપારીકરણ થઈ રહ્યું છે, ત્‍યાં વીરપુર એક મિસાલ બનીને ઊભું છે. સાથે જ બાપા દ્વારા શરૂ કરાયેલા સદાવ્રતને ૨૦૬ વર્ષ થયા છે અને આજના જ પાવન દિવસે જગ્‍યામાં હનુમાનજી સ્‍વયંભૂ પ્રગટ થયા હોવાની પણ માન્‍યતા છે.

રાજકોટથી આશરે ૫૫ કિલોમીટર દૂર આવેલું વીરપુર ગામ આજે આસ્‍થાના મહાસાગરમાં ડૂબેલું છે. પૂજ્‍ય જલારામ બાપાની પુણ્‍યભૂમિ પર આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે કારણ કે આજે અહીં એક નહીં પણ ત્રણ-ત્રણ ઐતિહાસિક પ્રસંગોનું સાક્ષી બન્‍યું છે.

આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાં, એટલે કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યાના તત્‍કાલીન ગાદીપતિ પૂજ્‍ય જયસુખરામ બાપાએ એક યુગાંતકારી નિર્ણય લીધો હતો. તેમણે જાહેરાત કરી હતી કે હવેથી જલારામ મંદિરમાં ભક્‍તો પાસેથી રોકડ રકમ, સોનું, ચાંદી કે કોઈપણ પ્રકારની ભેટ-સોગાદ સ્‍વીકારવામાં આવશે નહીં. આજે આ નિર્ણયને ૨૫ વર્ષ થયા છે, છતાં જગ્‍યાનો વહીવટ અને પ્રસાદ સદાવ્રત અવિરત અને ભવ્‍ય રીતે ચાલી રહ્યા છે.

આ ઉપરાંત, પૂજ્‍ય જલારામ બાપાએ ‘‘ભૂખ્‍યાને ભોજન''ના મંત્ર સાથે જે પ્રસાદ સદાવ્રત શરૂ કર્યું હતું, તેને આજે ૨૦૬ વર્ષ પૂર્ણ થયા છે. બે સદીઓ વીતી ગઈ છતાં, અહીં આવતા હજારો દર્શનાર્થીઓને બપોરે અને સાંજે પૂર્ણ ભોજનરૂપી પ્રસાદ પ્રેમપૂર્વક અને વિનામૂલ્‍યે જમાડવામાં આવે છે.

આજના દિવસનું ત્રીજું મહત્ત્વ એ છે કે, બે સદી પૂર્વે પૂજ્‍ય બાપાની જગ્‍યામાં હનુમાનજી મહારાજ સ્‍વયંભૂ પ્રગટ થયા હતા. આજે પણ ભક્‍તો જ્‍યારે જગ્‍યામાં બાપાના ઝોળી અને ધોકાના દર્શન કરે છે, ત્‍યારે તેની બરાબર બાજુમાં આ ચમત્‍કારિક હનુમાનજીના  દર્શન કરી ધન્‍યતા અનુભવે છે

દાન સ્‍વીકારવાનું બંધ કરવાનો નિર્ણય કેમ લેવાયો હતો?

આજથી ૨૫ વર્ષ પહેલાં જગ્‍યાના ગાદીપતિ પૂજ્‍ય જયસુખરામ બાપાને વિચાર આવ્‍યો કે ભક્‍તો જે દાન આપે છે તેનો સદુપયોગ સદાવ્રત અને ગૌસેવામાં થાય છે, પરંતુ બાપાના આશીર્વાદ સદૈવ છે. બાપા હાજરાહજૂર છે. દાન નહીં સ્‍વીકારીએ તો પણ કોઈ જ વાંધો નહીં આવે તેનું આત્‍મસાત થઈ જતાં તેમણે પરિવારજનો અને ગાદીના વારસદાર વર્તમાન ગાદીપતિ પૂજ્‍ય રઘુરામ બાપા સાથે ચર્ચા કરી નિર્ણય લીધો કે ‘‘જલારામ બાપાના આશીર્વાદથી હવે સમાજ પાસેથી કઈ લેવું નથી, બસ આપવું છે.''આ વિચાર સાથે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજથી દાન સ્‍વીકારવાનું સદંતર બંધ કરી દેવાયું, જે વિશ્વના ધાર્મિક ઇતિહાસમાં વિરલ ઘટના છે

આસ્‍થાનો પ્રવાહ અવિરત

પૂનમના દિવસે તો અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. સેંકડો  ભાઈ-બહેનો પૂનમ ભરવા આવે છે. દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ ઉપરાંત પીવાનું ઠંડુ પાણી, રહેવાની વ્‍યવસ્‍થા અને ચા-પાણી પણ વિનામૂલ્‍યે પૂરા પાડવામાં આવે છે. આજે ત્રિવિધ પ્રસંગ હોવાથી વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ‘‘જય જલારામ''ના નાદ ગુંજી ઉઠ્‍યા હતા અને હજારો ભક્‍તોએ શીશ ઝુકાવીને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

૨૦૬ વર્ષ પૌરાણિક પ્રસાદ સદાવ્રત

પૂજ્‍ય જલારામ બાપાએ ઈ.સ. ૧૮૨૦ (વિક્રમ સંવત ૧૮૭૬) આસપાસ સદાવ્રતની શરૂઆત કરી હતી. શરૂઆતમાં સાધુ-સંતોને ભોજન કરાવતા, જે બાદમાં દરેક દર્શનાર્થી જીવ માટે ખુલ્લું મુકાયું. આજે ૨૦૬ વર્ષ પછી પણ, વીરપુરની જગ્‍યામાં કોઈપણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ભાવિકોને પ્રસાદ જમાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે દાન લીધા વિના પણ આ રસોડું હર હંમેશ  ધમધમતું રહે છે.

(11:28 AM IST)