News of Tuesday, 20th January 2026
ગિરનારમાં ઠંડી યથાવત ૫.૫ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ઘટાડો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યોઃ મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જયારે ગિરનાર ઉપર ઠંડી યથાવત છે. આજે ગિરનાર પ.પ ડિગ્રી ઠંડી નોંધાઇ છે. જયારે કચ્છના નલીયામાં ૧૦.૮, અમરેલી ૧૧.૬, રાજકોટ ૧૧.૫, જામનગરમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે તાપમાનમાં ફરી ઘટાડો થતા ગિરનાર પર ૫.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
ગઈકાલથી જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું નવેસરથી મોજુ શરૂ થયું છે. નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ગીરનાર પર ૭.૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે ૨.૨ ડિગ્રીના ઘટાડા સાથે ૫.૫ ડિગ્રી નોંધાતા સમગ્ર ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનારની સાથે સાથે જુનાગઢમાં પણ સવારે લઘુતમ તાપમાન ૨.૨ ડિગ્રી ઘટીને ૧૦.૫ ડિગ્રી નોંધાયું હતુ. જુનાગઢ વિસ્તારમાં ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૩ ટકાએ પહોંચી જતા વ્હેલી સવારે ઝાકળવર્ષા પણ થઈ હતી જેના પરિણામે ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૨, મહતમ તાપમાન ૨૭, ભેજનું પ્રમાણ ૮૦%, પવનની ગતિ ૩.૪ કિ.મી. રહી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઠંડી ઘટી છે. આજે મંગળવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ઘટીને ૧૪ લઘુતમ તાપમાન ઘટીને ૧૪.૬ ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહયુ હતું. જયારે પવનની ઝડપ ૮ કિ.મી. રહી છે.(૨.૭)

(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
