<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

પાંચ વર્ષના ઉમેશનું ભેદી મોતઃ પિતાએ પતાવ્‍યાનો આક્ષેપ

જસદણના ભાડલા તાબેના પારેવાડા ગામની ચોંકાવનારી ઘટનાઃ તપાસનો ધમધમાટ :પિતા વિજય વાળા દિકરાને બેભાન હાલતમાં હોસ્‍પિટલે લઇ ગયો અને કહ્યું-આને પાડોશી રણજીતે ગળાફાંસો આપી મારી નાંખ્‍યો છે!: પોતે ચિક્કાર નશામાં હતોઃ પોલીસે વિજય અને પાડોશીની પુછતાછ શરૂ કરીઃ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ મુળ રાજકોટની યુવતિ સાથે વિજયએ સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા છે :વિજયના પત્‍નિ કાજલબેને કહ્યું-મારો પતિ મને પણ મારવાનો પ્રયાસ કરતો હતો, જેથી હું નાના દિકરાને લઇ બે દિવસ પહેલા સગાના ઘરે આટકોટ જતી રહી હતીઃ તે મારા દિકરાને મારીને મને તેના ગુનામાં ફસાવવાની ધમકી આપતો હતો!

પાંચ વર્ષના માસુમ ઉમેશનો નિષ્‍પ્રાણ દેહ અને તેને પિતાએ જ પતાવી દીધાનો આક્ષેપ કરનાર માતા કાજલબેન નાના દિકરા સાથે જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૧: જસદણના ભાડલા તાબેના પારેવાડા ગામે ચોંકાવનારી ઘટના બની છે. અહિના એક પરિવારના પાંચ વર્ષના બાળકનું ભેદી મોત થયું છે. બાળકને તેના જ પિતા હોસ્‍પિટલ ખાતે બેભાન હાલતમાં લઇ ગયા હતાં અને આક્ષેપ કર્યો હતો કે મારા દિકરાને અમારા પાડોશીએ ગળાટૂંપો દઇ મારી નાંખ્‍યો છે! પોલીસ આ સાંભળી ચોંકી ગઇ હતી અને શકમંદ પાડોશીને પુછતાછ માટે ઉઠાવી લીધો હતો. પરંતુ પાડોશીએ પોતે આ બાબતે અજાણ હોવાનું કહ્યું હતું. બીજી તરફ બે દિવસ પહેલા નાના દિકરાને લઇ આટકોટ જતી રહેલી આ યુવાનની પત્‍નિએ પોલીસને જણાવ્‍યું હતું કે મારા દિકરાને બીજા કોઇએ નહિ, પણ ખુદ મારા નશાખોર પતિએ જ મારી નાંખ્‍યો છે. મારો પતિ મને પણ મારી નાખવાની ધમકી આપતો હતો અને દિકરાની હત્‍યામાં ફસાવી દેવાનું કહી ધમકાવતો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે કે આ બાળકનું મોત ખરેખર કેવી રીતે થયું?

જાણવા મળ્‍યા મુજબ જસદણ તાબેના ભાડલા નજીકના પારેવાડા ગામે રહેતો વિજયભાઇ ભલાભાઇ વાળા નામનો યુવાન જે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે તે પોતાના પુત્ર ઉમેશ (ઉ.વ.૫)ને બેભાન હાલતમાં લઇને જસદણ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યો હતો. અહિ ઇમર્જન્‍સી વિભાગમાં તબિબે બાળકને શું થયું છે? તેમ પુછતાં વિજયભાઇ વાળાએ પોતાના બાળકને પાડોશી રણજીત નામના શખ્‍સે ગળાટૂંપો આપી દીધો છે તેવી શંકા દર્શાવતા તબિબે તુરત જ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં ભાડલા પીઆઇ કે. વી. પરમાર, એએસઆઇ સુરેશભાઇ ગામીત સહિતનો સ્‍ટાફ તુરત હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પોતાના દિકરાની હત્‍યાની શંકા વ્‍યક્‍ત કરનાર વિજયની હાલત જોતાં તે બરાબર ભાનમાં ન હોઇ તેવું લાગતું હોઇ પોલીસ સ્‍ટેશને લઇ જઇ તેની જ પુછતાછ કરી હતી. તેણે એવુ રટણ કર્યુ હતું કે પાડોશીએ તેના દિકરાને ગળાટૂંપો આપી દીધો છે. જો કે પોલીસને તેની વાત ગળે ઉતરતી નહોતી. આમ છતાં શંકાના અધારે રણજીતને બોલાવી પુછતાછ કરી હતી. પણ રણજીતે પોતે આ મામલે તદ્દન અજાણ હોવાનું કહ્યું હતું.

બીજી તરફ વિજય વાળાના પત્‍નિ કાજલબેન વાળા ઘટનાની જાણ થતાં નાના ૪ વર્ષના પુત્ર અજયને લઇને હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. તેણીએ એવો આક્ષેપ કર્યો હતો કે મારા દિકરા ઉમેશને બીજા કોઇએ નહિ પણ ખુદ મારા પતિ વિજયએ જ મારી નાંખ્‍યો છે! આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે હાલ વિજય અને રણજીત બંનેની પુછતાછ યથાવત રાખી છે અને બાળક ઉમેશનું મોત કેવી રીતે થયું? તે જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

મૃતક ઉમેશની માતા કાજલબેને કહ્યું હતું કે-હું રાજકોટ કાલાવડ રોડ કણકોટ પાસેની મુળ વતની છું. અમારા પાડોશમાં જ વિજય રહેતો હોઇ સાત વર્ષ પહેલા મેં તેની સાથે લવમેરેજ કર્યા છે. અમારે સંતાનમાં બે દિકરા છે, જેમાં ઉમેશ મોટો હતો અને બાલમંદિરમાં જતો હતો. પતિ વિજય છુટક મજૂરી કરે છે. પણ કેટલાક સમયથી તે દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો. ઘણા સમયથી તે મારી સાથે પણ ઝઘડા કરી ત્રાસ આપતો હતો. બે દિવસ પહેલા તે કાતર લઇ મારવા દોડતાં અને મારી નાખવાની ધમકી આપતાં હું નાના દિકરાને લઇ આટકોટ સગાના ઘરે જતી રહી હતી. આ પછી ગઇકાલે પતિ વિજય પાસે રહેલા મોટા દિકરા ઉમેશનું શંકાસ્‍પદ મોત થયું છે. તેની હત્‍યા મારા પતિએ જ કરી હોવાનું મારુ માનવું છે. તે મારા દિકરા પાસે ભીખ મંગાવી પૈસા આવે તેમાંથી દારૂ પી જતો હતો. દિકરાને મારી નાંખી મને તેમાં ફસાવવાની પણ ધમકી આપતો હતો. કાજલબેનના આક્ષેપો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. બાળકના મોતનો ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમનો રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. (૧૪.૫)

(2:49 PM IST)