News of Wednesday, 21st January 2026
જસદણના આંબરડી ગામે દંપતિ સહિત ત્રણ ઉપર પિતરાઇ ભાઇ સહિત પાંચનો ખૂની હુમલો
વિવાદીત જમીનમાં રખડુ ઢોર ઘુસી જતા ઝઘડો કરી ધારીયા-પાઇપ સાથે તૂટી પડયાઃ બેની ઘરપકડ

રાજકોટ, તા. ર૧: જસદણના આંબરડી ગામે વિવાદીત જમીનમાં રખડુ ઢોર ઘુસી જતા દંપતિ સહિત ત્રણ ઉપર પિતરાઇ ભાઇ સહિત પાંચએ ધારીયા-પાઇપ વડે ખુની હુમલો કર્યો હતો. જસદણ પોલીસે તુર્તજ ખુની હુમલો કરનાર બે ને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ બુધાભાઇ ગોવિંદભાઇ ધાંધલ, ધંધો મજૂરી રહે. આંબરડી ગામ માલગઢ વિસ્તારએ આરોપી (૧) લાલજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ (ર) રાહુલભાઇ લાલજીભાઇ રાઠોડ, (૩) દિપકભાઇ લાલજીભાઇ રાઠોડ (૪) મુકતાબેન ઉર્ફે નિમુબેન વા-ઓ લાલજીભાઇ રાઠોડ તથા (પ) અસ્મિતાબેન ડો-ઓ. લાલજીભાઇ રાઠોડ, રહે. બધા આંબરડી ગામ, માલગઢ વિસ્તાર તા. જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદનાં ભાઇ ધનજીભાઇ તથા તેમના પત્નિ, સોનલબેન રેઢીયાર ઢોરને તગડીને ખેતર બાજુથી આવતા હોય ત્યારે આરોપીઓએ વારાફરતી આવી ફરીયાદી તથા ફરીયાદી ભાઇ તથા ફરીના ભાઇના પત્નિ સાથે બોલાચાલી ગાળાગાળી કરી આરોપી નં. (૧) નાએ તેની પાસે રહેલ લોખંડના ધારીયા વડે ફરીયાદીને માથામાં ઘા મારી દેતા તથા આરોપીએ ફરીયાદીને ધારીયાનો બીજો ઘા મારવા જતા ફરીયાદ હાથ આડો રાખતા જમણા હાથમાં કોણીમાં વાગી ગયેલ અને આરોપી નં. (ર) તથા (૩) એ લોખંડના પાઇપ લઇને આવી આરોપી નં. (૧) સાથે મળી ધારીયા તથા લોખંડના પાઇપ વડે ફરીયાદ તથા ફરીયાદ ભાઇ તથા ફરીયાદી ભાઇના પત્નિને મારી નાખવાના ઇરાદે ખુની હુમલો કરતા ત્રણેયને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફરીયાદી તથા આરોપીઓ કૌટુંબીક ભાઇઓ થાય છે અને જમીન બાબતે વિવાદ ચાલે છે. ગઇકાલે વિવાદીત જમીનમાં રખડુ ઢોર ઘુસી જતા આરોપીઓએ ખુની હુમલો કર્યો હતો.
જસદણ પોલીસે ઇજાગ્રસ્ત બુધાભાઇ ધાંધલની ફરીયાદ ઉપરથી ઉકત પાંચેય સામે હત્યાની કોશિશનો ગુન્હો દાખલ કર્યો હતો જસદણના પી.આઇ. એસ.આર. ગોહિલ તથા સ્ટાફે તુર્ત જ આરોપી લાલજી રાઠોડ તથા રાહુલ રાઠોડની ધરપકડ કરી અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
