<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

પોલીસ ઉંઘતી ઝડપાઈ, રિમાન્ડ પર રહેલા મહંત ફરાર

થાનગઢ પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર રહેલા કૃષ્ણ ગૌશાળાના મહંત રામદાસ બીમારીનું બહાનું કાઢી ફરાર થઈ ગયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકની કસ્ટડીમાંથી એક હાઈપ્રોફાઈલ આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. કૃષ્ણ ગૌશાળાના મહંત રામદાસ, જેઓ છેતરપિંડીના ગંભીર આરોપમાં પોલીસ કસ્ટડીમાં હતા, તેઓ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મહંત રામદાસ વિરૃદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાતા થાનગઢ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી મહંતે અચાનક બીમારીનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કંઈ સમજે તે પહેલા જ તકનો લાભ લઈ મહંત પોલીસની નજર ચૂકવી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા.

થાનગઢ પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી જતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ફરાર મહંતને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની LCB , SOG  અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી છે. એક આરોપી આ રીતે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે હાઈટેક પોલીસ તંત્ર આ મહંતને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.

(11:43 PM IST)