તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
મોરબીમાં વાવડી ચોકડી પાસે ડીમોલેશન
ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના ૨૦ દબાણો દૂર કરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મોરબી મહાપાલિકા દ્વારા વાવડી ચોકડીથી વાવડી ગામ સુધી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના ૨૦ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીના રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં કરવામાં આવી રહેલા આ ડીમોલેશનમાં ૧૮ મીટરના રોડને નડતરરૂપ ૨૦ જેટલા દબાણો ૧૧:૩૦ વાગ્યા સુધીમાં તોડી નાખવામાં આવ્યા છે. જેમાં ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિનનો સમાવેશ થાય છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે આ રોડ આરએન્ડબી હસ્તકનો હતો. તે કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. આ ૧૮ મીટરનો રોડ છે. હાલ ડીમોલેશન ચાલુ છે. મહાપાલિકા દ્વારા મુખ્ય રોડ ઉપર અત્યારે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જરૂર પડયે એકવાર ડીમોલેશન થઈ ગયું હોય, તેવા રોડ ઉપર પણ બીજી વાર ડીમોલેશન હાથ ધરવામાં આવશે.
વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે અત્યારે અંદાજે ૧૦ કિમીના રોડના કામો ચાલુ છે. બજેટ માટે કયુઆર કોડથી પબ્લિક ઓપિનિયન મંગાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજે ૨૫૦થી વધુ એન્ટ્રી મળી છે. રોડ, પેવર બ્લોક, પબ્લિક લાયબ્રેરી સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે રજુઆતો મળી છે.
કમિશનરે ઉમેર્યું કે ભૂગર્ભ ગટરને લગતી ફરિયાદોની સંખ્યા ઘટી છે. ચોમાસામાં ૭૫૦થી ૮૦૦ ફરિયાદ આવતી હતી. હવે ૫૦થી ૧૦૦ આવે છે. બેથી ત્રણ દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાના પ્રયત્નો હોય છે. વધુમાં અગાઉ ૨૦૦ સફાઈ કામદારો માટે ટેન્ડર કર્યું હતું. તેઓને ફરજમાં મૂકી દેવામાં આવ્યા છે. ડ્રેનેજ માટે પણ વધારાના ૩૦ કામદારોને મુકવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
