હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ગોળનું ઉત્પાદન
પ્રગતિશીલ યુવા ખેડૂત પ્રશાંતભાઇએ પ્રાકૃતિક ખેતી વડે કંડાર્યો નવો પથ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૪: જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ જોગીયા. છેલ્લા દોઢ દાયકાથી પ્રાકળતિક ખેતીના મંત્રને વરેલા પ્રશાંતભાઈએ સાબિત કરી દીધું છે કે જો ખેડૂત ધારે તો રાસાયણિક ખાતરો વગર પણ સમળદ્ધિ મેળવી શકે છે અને સમાજને ઝેરમુક્ત આહાર આપી શકે છે.
શરૂઆતમાં માત્ર બાગાયતી પાકોથી ખેતીની શરૂઆત કરનાર પ્રશાંતભાઈએ ત્રણ વર્ષ પહેલા શેરડીના પાક તરફ પ્રયાણ કર્યું. પરંતુ તેમનો હેતુ માત્ર શેરડી વેચવાનો નહીં, પણ તેમાંથી શુદ્ધ ઉત્પાદન આપવાનો હતો. તેમણે ‘‘૬૭૧'' જેવી ઓછું ઉત્પાદન આપતી પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શેરડીની જાતને બચાવી અને તેનું વાવેતર કર્યું. ટપક સિંચાઈ અને કુદરતી આચ્છાદન પદ્ધતિના ઉપયોગ અંગે અનુભવ વર્ણવતા પ્રશાંતભાઈ જણાવે છે કે, સામાન્ય રીતે ત્રણ મહિનાના ઘઉ કે ચોખા પકવવા માટે જેટલું પાણી વપરાય છે, તેટલા જ પાણીમાં તેઓ ટપક પદ્ધતિ અને પ્રાકળતિક આચ્છાદન દ્વારા ૧૨ મહિનાથી શેરડી પકવે છે. કુદરતના ખોળે ખેતી કરવાથી જમીન પણ સજીવન થાય છે અને ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે.
પ્રશાંતભાઈની સૌથી મોટી સફળતા તેમનો ઝીરો કેમિકલ ગોળ છે. બજારમાં મળતા અન્ય કેમિકલયુક્ત ગોળના વિકલ્પે તેમણે શુદ્ધ દેશી પદ્ધતિથી ગોળ બનાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને બાળકો માટે ચોકલેટના વિકલ્પ સ્વરૂપે તેમણે ‘‘ગોળ કયુબ્સ'' (૧૦ ગ્રામના ચોકલેટ આકારના ગોળના ટુકડા) લોન્ચ કર્યા છે.
નવી પેઢીને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ આપવાના પોતાના ઉમદા આશય વિશે તેઓ કહે છે કે, આપણી નવી પેઢી ગોળથી દૂર થઈ રહી હતી, જેથી તેમણે ગોળને જ ચોકલેટનો આકાર આપવાનો વિચાર કર્યો. આજે ૧૦ ગ્રામના આ કયુબ્સ બાળકો હોંશે હોંશે ખાય છે. તેમનું મુખ્ય લક્ષ્ય એ છે કે બાળકના પેટમાં ઓછામાં ઓછો ૧૦ ગ્રામ શુદ્ધ ગોળ જાય તો તેના દાંત અને શરીર બંને સુરક્ષિત રહે.
રાજ્ય સરકાર અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકળતિક ખેતીના આ અભિયાનને વેગ મળી રહ્યો છે ત્યારે પ્રશાંતભાઈ અન્ય ખેડૂતોને પણ આ માર્ગે વળવા આહવાન કરે છે. આ વર્ષે તેઓ ૫ વીઘાની ખેતીમાંથી અંદાજે ૬ થી ૭ ટન ગોળનું ઉત્પાદન મેળવશે તેવી અપેક્ષા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
