<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

કચ્છ હવે 'ડેન્જર ઝોન-6'માં: ૨૫ વર્ષ પહેલાં જેવી તબાહીનું તોળાતું જોખમ? ૧૪ વર્ષમાં ૩૨ વખત ધ્રૂજી ધરા

કચ્છના મહાવિનાશક ભૂકંપની ૨૫મી વરસીએ વૈજ્ઞાનિકોની ચોંકાવનારી ચેતવણી: સૌરાષ્ટ્ર પર 'સ્વાર્મ અર્થક્વેક'ની તલવાર લટકી, નવી 'ઉલટ કોટડા' ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂસ્તરશાસ્ત્રીઓમાં ચિંતા, ૩.૦ કરતા ૪.૦ની તીવ્રતાનો આંચકો ૩૨ ગણી વધુ વિનાશક ઉર્જા છોડે છે

રાજકોટ: ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧નો એ કાળમુખો દિવસ જ્યારે કચ્છની ધરતીએ હજારો માનવજિંદગીઓ હોમી દીધી હતી, તેને આજે ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વરસી પર જ કચ્છને હવે સૌથી વધુ સંવેદનશીલ એવા 'ઝોન-૫'માંથી હટાવીને અત્યંત જોખમી 'ઝોન-૬'માં મૂકવામાં આવ્યું છે. આ ફેરફાર પાછળનું કારણ ડરામણું છે: છેલ્લા ૧૪ વર્ષમાં કચ્છમાં ૪.૦થી વધુ તીવ્રતાના ૩૨ મોટા આંચકા નોંધાયા છે, જ્યારે નાના આંચકાઓની સંખ્યા તો હજારોમાં છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) મુજબ, ૨૦૨૦માં આવેલો ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ અને હાલમાં જ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નોંધાયેલો તીવ્ર આંચકો સૂચવે છે કે કચ્છના પેટાળમાં કંઈક મોટું રાંધાઈ રહ્યું છે.

કચ્છની મુસીબત માત્ર જૂની ફોલ્ટલાઈનો નથી, પણ હવે 'ઉલટ કોટડા' નામની નવી સક્રિય થયેલી ફોલ્ટલાઈને વિજ્ઞાનીઓની ઉંઘ ઉડાવી દીધી છે. કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે આ નવી હલચલ ભૌગોલિક લેન્ડસ્કેપ બદલી રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ વધી રહ્યું છે. સ્વાર્મ એટલે એવો ભૂકંપ જેમાં કચ્છની જેમ એક મોટો આંચકો આવ્યા પછી શાંતિ નથી થતી, પણ ટૂંકા ગાળામાં એક પછી એક સમાન તીવ્રતાના અનેક આંચકાઓની વણઝાર લાગે છે. તાલાલા અને ઉપલેટા પંથકમાં તાજેતરમાં અનુભવાયેલી ધ્રૂજારી આ 'સ્વાર્મ' પ્રકારના ખતરાની જ સાબિતી છે.

ભૂકંપની તીવ્રતાને સમજવી સામાન્ય માણસ માટે મુશ્કેલ છે, પણ તેના આંકડા રુવાડા ઉભા કરી દે તેવા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ૩.૦ની તીવ્રતા કરતા ૪.૦નો ભૂકંપ ધરતીને ૧૦ ગણી વધુ જોરથી હલાવે છે અને તેમાંથી ૩૨ ગણી (આશરે ૩૨૦૦ ટકા) વધુ પ્રચંડ ઉર્જા મુક્ત થાય છે. જો ૪.૦ની તીવ્રતાનો આંચકો આવે તો તે ૬ ટન TNT વિસ્ફોટક જેવી ઉર્જા છોડે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ઉના અને તાલાલા હવે ઝોન-૪ અને ૫માં આવી ગયા હોવાથી, આ વિસ્તારોએ પણ હવે કચ્છની જેમ જ હાઈ-એલર્ટ પર રહેવાની જરૂર છે.

આ સંજોગોમાં ડરવાને બદલે આપણે જાપાન જેવી સજ્જતા કેળવવી પડશે. જાપાન વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અનુભવતો દેશ હોવા છતાં ત્યાંના લોકો માનસિક તણાવ વગર ૮૦ વર્ષથી વધુ જીવે છે, કારણ કે તેમણે ભૂકંપ સામે લડવાની જીવનશૈલી અપનાવી લીધી છે. આપણે પણ હવે ગેરકાયદેસર અને નબળા બાંધકામો છોડીને ભૂકંપ પ્રતિરોધક મકાનો અને શાળાઓ બનાવવાની ટેવ પાડવી પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ યાદ રાખવું પડશે કે કુદરતની આફતની આગાહી શક્ય નથી, પણ તેનાથી બચવાની પૂર્વતૈયારી ચોક્કસપણે આપણા હાથમાં છે.

(11:34 AM IST)