<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સમાજમાં પ્રેમ, પ્રતિભા અને પરિશ્રમની ખોટ વર્તાય રહી છે : પોરબંદરમાં સાંદિપની વિદ્યા નિકેતનમા શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવમાં "પૂ.ભાઈશ્રી" શ્રી રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૩૦મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો

પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રી, આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ , પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, , વિમલભાઈ ઓડેદરા, ભાગ્યેશભાઈ જ્હા, કરુણાશંકરભાઈ ઓઝા, નરોત્તમભાઈ પલાણ સહિતના ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫

           પોરબંદરના સાંદીપનિમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત  અપરાહ્ન સત્રમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૩૦મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહ ૨૦૨૫નું આયોજન થયું. જેમાં ત્રણ મહાનુભાવોનું બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.  

 

સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા તથા ઋષિકુમારો દ્વારા વેદમંત્રોના ગાનથી કરવામાં આવ્યો. ગૌરવ એવોર્ડ ચયન સમિતિના સભ્ય  ભાગ્યેશભાઈ જ્હા દ્વારા ગૌરવ એવોર્ડમાં પધારેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા કાર્યક્રમની ભૂમિકા રજુ કરીને ૨૦૨૫ના ત્રણ એવોર્ડીનો પરિચય કરાવ્યો હતો. 

 

ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રી, આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ તથા અતિથી વિશેષ પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય એવં કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વારાણસીના વિલક્ષણ તથા અનેક ઉપાધિઓથી પુરસ્કૃત સમ્માનનીય વિદ્વાન આચાર્ય શ્રીગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજીનું બ્રહ્મર્ષિ એવોર્ડ,  ગુજરાતના ઉદ્યોગપતિ અને "વિદ્યયા સમાજોત્કર્ષ:" આ સુત્રને કેન્દ્રમાં રાખીને અનેક વિદ્યા સંસ્થોના સંસ્થાપક સમાજસેવી એવા ભુનાવ-મહેસાણાના આદરણીય શ્રી ગણપતભાઈ પટેલનું રાજર્ષિ એવોર્ડ તથા ૫૦૦થી વધુ પુસ્તકો દ્વારા સમાજને પ્રેરણા આપનારા પરમસંયમી વિરક્ત પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીવિજયરત્ન સુંદરસુરેશ્વરીજી મહારાજનું  દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય કોઈ અન્ય કાર્યના કારણે ઉપસ્થિત ના રહેતા એમના પ્રતિનિધિ સ્વરૂપે એમના ટ્રસ્ટના ડો.રશ્મીન પુરોહિતજી દ્વારા દેવર્ષિ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. 

 

આ અવસરે બ્રહ્મર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ડૉ. સહદેવભાઈ જોષી, રાજર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી બિપીનભાઇ જોષી દ્વારા તથા દેવર્ષિ એવોર્ડનું વાંચન અધ્યાપક ડૉ. ભરતભાઈ શીલુ દ્વારા કરવામાં આવેલ હતુ.

 

આ અવસરે બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત પૂજ્ય આચાર્યશ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજીએ પ્રતિભાવ અપાતા જણાવ્યું કે આપણા શાસ્ત્રોનું અધ્યયન થાય એ જરૂરી છે. પૂજ્ય ભાઈશ્રીએ સાંદીપનિ સ્થાપિત કરીને ગુજરાતને બચાવી લીધું છે. બ્રાહ્મણોને પ્રેરિત કરીને પૂજ્ય ભાઈશ્રીને અધ્યયન-અધ્યાપનકાર્યમાં લગાવ્યા એ સંસ્કૃતિ અને પુરા ભારતવર્ષ પર ઉપકાર કર્યો છે. ભગવાનની શક્તિ ભાઈશ્રીમાં દેખાય છે એમણે અનેક કુલોનો ઉદ્ધાર કર્યો છે. એમણે જણાવ્યું કે બાળકોને નાનપણથી ૨૪ વર્ષ  સુધી આપણા ઋષિઓના ચરિત્રોની કથા સંભળાવવી જોઈએ. આ સાથે રાજર્ષિ એવોર્ડથી સન્માનિત  ગણપતભાઈ પટેલઈ પોતાના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાંદીપનિ સંસ્થાની સમિતિ દ્વારા મને આ સન્માન માટે યોગ્ય ગણ્યો એ માટે હું ધન્યતા અનુભવું છું. મારી જીવનયાત્રામાં મારા પરિવાર, મારી સમગ્ર સંસ્થાના સ્ટાફ અને મારા સાથીઓનો ખુબ સહયોગ મળ્યો છે. એટલે આ એવોર્ડ માત્ર મારો નથી એ બધાનો જ છે. મારા માટે શિક્ષણ એ કામ નથી સેવાનું સાધન છે. યુવાનોના જીવનનું ઘડતર કરવું એ અમારી જવાબદારી છે. આ એવોર્ડ મને વધુ જવાબદારી આપે છે હું વધારે સમાજ માટે કામ કરતો રહીશ મારી જવાબદારીઓને નિભાવીશ. તેમજ દેવર્ષિ એવોર્ડથી સન્માનિત પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીવિજયરત્ન સુંદરસુરેશ્વરીજી મહારાજના પ્રતિનિધિ ડો.રશ્મીન પુરોહિત દ્વારા પૂજ્ય જૈનાચાર્યનો સંદેશ આપવામાં આવ્યો અને તેઓએ આ એવોર્ડ સમારોહ આયોજનને પ્રશંસનીય કાર્ય ગણાવીને હર્ષની લાગણી અનુભવી હતી. 

 

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો પોરબંદરના ધારાસભ્ય તથા મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સાથે-સાથે પૂજ્ય દેવ્પ્રસદજી પૂજ્ય ભાઈશ્રીએ પણ બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિના જીવનીનો ઉલ્લેખ કરીને પ્રસંગોચિત આશીર્વચન પાઠવ્યા હતા.  

 

પૂજ્ય ભાઈશ્રીનું ઉદબોધન

પૂજ્ય ભાઈશ્રીએ પોતાના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે અત્યારે સમાજમાં ખુબ પ્રગતિ થાય છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થઇ રહ્યો છે. છતાં ત્રણ વસ્તુનો અભાવ જોવા મળે છે. પ્રેમ, પ્રતિભા અને પરિશ્રમની ખોટ વર્તાય રહી છે. સમાજમાં મહેનતી લોકો છે પણ એ પરિશ્રમમાત્ર પોતાનું પેટ ભરવા માટે થઇ રહ્યો હોય છે. પરિશ્રમથી પરમાર્થનું કાર્ય થાય એ ઉત્તમ પરિશ્રમ છે. પરિશ્રમની વ્યાખ્યાને લઈને પૂજ્ય ભાઈશ્રીએ અનેક મહાનુભાવોના પ્રસંગો વર્ણવ્યા હતા. એમ કહીને પરિશ્રમને રાજર્ષિ એવોર્ડી પ્રાપ્ત  ગણપતભાઈ પટેલના જીવન સાથે સરખાવ્યો હતો.  પ્રેમની વાત કરતા પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે અત્યારે પ્રેમ માત્ર સ્વાર્થ અને વાસના માટે રહી ગયો છે. પરંતુ સાચો પ્રેમ વિરક્ત વ્યક્તિ જ કરી શકે છે. એમ જણાવીને કહ્યું કે ૫૦૦ પુસ્તકો લખ્યા એ માત્ર પરમાર્થ માટે અને ૫૦૦ મું પુસ્તક વિશ્વનો પ્રેમ અને પ્રેમનું વિશ્વ પુસ્તકનો ઉલ્લેખ કરીને વિરક્ત સન્યાસી પૂજ્ય ચર્ય શ્રીવિજયરત્ન સુંદરસુરેશ્વરીજી મહારાજશ્રીને વિશુદ્ધ પ્રેમ સાથે સરખાવ્યા હતા. પ્રતિભા વિશે જણાવ્યું કે નિશ્ચિત રૂપે સમાજમાં પ્રતિભા જોવા મળે છે પરતું જે પ્રતિભાથી પ્રકાશ ફેલાય એને હું સાચી પ્રતિભા કહું છું. માત્ર આંજી નાખે એવી નહિ પરંતુ અંદરની માંજી નાખે એ  સાચી પ્રતિભા. અને જેના આગમનથી સ્વયં મસ્તક નમી જાય એ  સાચી પ્રતિભા અને એનો પ્રકાશ અને એવી પ્રતિભા આપણે આજના બ્રહ્મર્ષિમાં જોઈ રહ્યા છે. એમ કહીને પ્રતિભાને બ્રહ્મર્ષિ એવોર્ડ પ્રાપ્ત આચાર્યશ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજી સાથે સરખાવી હતી. પૂજ્ય ભાઈશ્રીએ ત્રણેય એવોર્ડીએ ઉપસ્થિત રહીને ભાવપૂજન સ્વીકાર્યું એ માટે ત્રણેય મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમના માટે દીર્ઘાયુ માટે કામના કરી હતી. 

 

પોરબંદરની સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું ભાવપૂજન

સાંદીપનિમાં આયોજિત ૩૦મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરની સંસ્થા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો દ્વારા, તેમજ પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજના મહાનુભાવો દ્વારા પણ આ અવસરે બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ પ્રાપ્ત મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝા દ્વારા ૩૦મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો અને અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

 

પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં આયોજિત સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહના આ વિશેષ અવસર પર પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રી, આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ , અતિથી વિશેષ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા, , વિમલભાઈ ઓડેદરા, એવોર્ડ ચયન સમિતિના સભ્યો ભાગ્યેશભાઈ જ્હા, કરુણાશંકરભાઈ ઓઝા, ઈતિહાસવિદ્ નરોત્તમભાઈ પલાણ, દેશ-વિદેશથી પધારેલા મહેમાનો, સાંદીપનિના ટ્રસ્ટીઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

(12:21 PM IST)