News of Sunday, 25th January 2026
પોરબંદરના રાણાવાવમાં ૭૭માં પ્રજાસતાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ : પોરબંદર જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાની ઉપસ્થિતિમાં રાણાવાવ ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું ફૂલડ્રેસ રીહર્સલ યોજાયું
કાલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાશે: કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી સહિતના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા. ૨૫ : પોરબંદર જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમની અધ્યક્ષતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરશે. સવારે ૯ કલાકે મંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદ કરાશે.
આ કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે થાય તે હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આયોજનના અનુસંધાને તા. ૨૫ જાન્યુઆરીના રોજ પોરબંદર જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમની ફૂલડ્રેસ રીહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૂલડ્રેસ રીહર્સલ દરમિયાન કાર્યક્રમના આરંભથી અંત સુધીના તમામ ઘટકોનું ક્રમબદ્ધ અમલીકરણ કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાનોના આગમન, ધ્વજવંદન, રાષ્ટ્રધ્વજને સલામી, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, પરેડનું નિરીક્ષણ, ડોગ શો, મંચ પરના ઔપચારિક કાર્યક્રમો, ઉદબોધન, વિવિધ સરકારી વિભાગોની વિકાસાત્મક ઝાંખીઓ (ટેબલો)નું નિદર્શન, ચેક વિતરણ, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાપન પ્રક્રિયા સહિત દરેક મુદ્દાને સમયપાલન સાથે રીહર્સલમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ડોગ શો રજૂ કરવામાં આવશે, જે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે. આ ઉપરાંત વિવિધ વિભાગોની વિકાસલક્ષી ઝાંખીઓ, આરોગ્ય, ખેતીવાડી સહિત વિવિધ વિભાગના સ્ટોલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો જનસામાન્ય માટે ખાસ આકર્ષણરૂપ બનશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
રીહર્સલ દરમિયાન મંચ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, માઈક સિસ્ટમ વ્યવસ્થા, પ્રવેશ વ્યવસ્થા, સુરક્ષા આયોજન તથા પ્રોટોકોલ સંબંધિત તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ, આયોજન સમિતિના સભ્યો, સ્વયંસેવકો, કલાકારો તથા ટેકનિકલ ટીમે ઉપસ્થિત રહી પરસ્પર સંકલન સાથે કામગીરી કરી હતી.
રીહર્સલ સંકલન પ્રાંત અધિકારી કુતિયાણા નેહાબેન સોજીત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા ૨૬ જાન્યુઆરીના રોજ સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે યોજાનાર પોરબંદર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસનો મુખ્ય કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને સફળ રીતે યોજાય તેનુ આયોજન કરવામાં આવ્યું હતું.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
