News of Sunday, 25th January 2026
BLO થી માંડી મતદાર સુધી સૌના સંયુક્ત પ્રયાસથી લોકશાહીની જ્યોત પ્રજ્વલિત રહે છે : ભાવનગર જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલની અધ્યક્ષતામા ૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
“My India, My Vote” થીમ સાથે ભાવનગર જિલ્લામાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : BLO અને ચૂંટણી તંત્રએ રવિવારની કે રજાની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી

(માહિતી બ્યુરો)ભાવનગર તા.૨૫ : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં ૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલમાં કરવામાં આવી હતી. ૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ 'My India, My Vote' અને ‘Citizen at the Heart of the Indian Democracy’ એટલે કે ‘ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક છે.’તેની ટૅગલાઇન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે લોકશાહીની મજબૂતાઈ માટે ચોક્કસ અને શુદ્ધ મતદાર યાદી અત્યંત આવશ્યક છે, અને આ દિશામાં ભાવનગર જિલ્લાના BLO અને ચૂંટણી તંત્રએ રવિવારની કે રજાની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કલેક્ટરશ્રીએ દીપની પાંચ જ્યોતિઓને લોકશાહી પ્રક્રિયાના પાંચ આધારસ્તંભ ગણાવતા કહ્યું કે, — BLO, સુપરવાઇઝર, ERO/AERO તંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને મતદાર. તેમણે જણાવ્યું હતું કે આ પાંચેયના સંયુક્ત પ્રયત્નોથી જ લોકશાહીની જ્યોત પ્રજ્વલિત રહે છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તા. 28 ઓક્ટોબરથી મતદારયાદી સંબંધિત પ્રિન્ટિંગ કામગીરીનો પ્રારંભ થયો હતો, માત્ર ચાર દિવસમાં અંદાજે 18.66 લાખ ફોર્મનું પ્રિન્ટિંગ પૂર્ણ થયું અને ત્યારબાદ BLO દ્વારા એક મહિના સુધી ઘરે-ઘરે જઈ માહિતી ચકાસણી કામગીરી હાથ ધરાઈ હતી. તેમાં વધારાના 7 દિવસનો સમય આપીને કામગીરી વિસ્તૃત કરવામાં આવી હતી. હાલ ક્લેમ અને ઑબ્જેક્શન પ્રક્રિયા ચાલુ છે. તેમણે કહ્યું કે, ટૂંકા ગાળામાં 18 લાખથી વધુ મતદારો સુધી પહોંચી માહિતી સંકલન કરવું એક વિશાળ કાર્ય હતું, જે BLO દ્વારા નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ મતદારોને ફોર્મ ભરવામાં માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ કર્મચારીઓના સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું કે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરી છે. રજાના દિવસોમાં પણ સ્કૂલ અને મતદાન કેન્દ્રોએ બેસીને કામગીરી પૂર્ણ કરી છે. તેમણે BLO, સુપરવાઇઝર તેમજ ચૂંટણી શાખાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આ કામગીરી દરમિયાન જિલ્લામાં કોઈ મોટી ફરિયાદ કે અપ્રિય ઘટના નોંધાઈ નથી, જે સમગ્ર ટીમની સુમેળસભર કામગીરીનો પુરાવો છે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ માત્ર એક જ છે — જે લાયકાત ધરાવે છે તે દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ અને જે લાયકાત ધરાવતા નથી તેમનું નામ યાદીમાં ન હોવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદી સંબંધિત તમામ નિર્ણયો નિયમો અને માન્ય દસ્તાવેજોના આધારે જ લેવામાં આવે છે અને કર્મચારીઓએ કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાની જરૂર નથી.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીના ચૌધરીએ મતદાતાની લોકશાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકશાહીની મજબૂતી માટે દરેક મતદાતાનો એક મત અત્યંત કિંમતી છે. અનેક વખત એક મતથી ચૂંટણીના પરિણામો બદલાયા છે, તેથી 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકે પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
તેમણે યુવા મતદારોને ખાસ અપીલ કરી કે મતદાર યાદીમાં નામ નોંધાવી આવનારી ચૂંટણીઓમાં સક્રિય ભાગ લે. બંધારણે દરેક નાગરિકને ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપ્યો છે, જે લોકશાહીની સૌથી મોટી તાકાત છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને નાગરિકોએ સપથ ગ્રહણ કરી લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કલેક્ટરશ્રીએ SIR 2025-26 ની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, નોડલ અધિકારીશ્રીઓ, સહાયકશ્રી, બી.એલ.ઓ. તેમજ કેમ્પસ એમ્બેસેડરની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી.
આ તકે રાષ્ટ્રિય મતદાતા દિવસ અંતર્ગત "મેં ભારત હું" ગીત સાથેની વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે મામલદાર કે. બી. ચાંદલીયા, મામલતદાર એમ. ડી. પરમાર, દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન પરમાર સહિતનાં અધિકારીશ્રીઓ, બી.એલ.ઓ.શ્રીઓ અને વિવિધ શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(-કૌશિક શીશાંગીયા- માહિતી ખાતું-ભાવનગર)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
