News of Sunday, 25th January 2026
જેતપુરમાં ફિલ્મી સ્ટાઈલ ચેઝ: પોલીસ પર કાર ચડાવનાર બુટલેગરો ગટરમાં ખાબક્યા, લાખોનો દારૂ ઝડપાયો
ચાંપરાજપુર ફાટક પાસે બુટલેગરોનો જીવલેણ ખેલ; ખાખી વર્દીને કચડવાનો પ્રયાસ નિષ્ફળ જતાં કાર ગટરમાં ઉતરી, ૮ નકલી નંબર પ્લેટો અને રૂ. ૧૬ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો જેલના સળિયા પાછળ

જેતપુર: રાજકોટના જેતપુરમાં જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મનો રોમાંચક સીન ભજવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દારૂની મોટી ખેપ મારી રહેલા બેફામ બુટલેગરોએ કાયદાનો ડર નેવે મૂકી પોલીસ જવાનો પર જ ગાડી ચડાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. ચાંપરાજપુર ફાટક પાસે જ્યારે પોલીસે નાકાબંધી કરી શંકાસ્પદ કારને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે બુટલેગરોએ બ્રેક મારવાને બદલે એક્સિલરેટર દબાવી દીધું હતું. સદનસીબે પોલીસ જવાનોએ સમયસૂચકતા વાપરી બાજુમાં ખસી જતાં એક મોટી જાનહાનિ ટળી હતી.
પોલીસને ચકમો આપી ભાગવાની લ્હાયમાં બુટલેગરોએ રસ્તા પર જઈ રહેલા એક બાઈક સવારને અડફેટે લીધો હતો. બેફામ બનેલી આ કાર પરથી ચાલકે કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રોડની સાઈડમાં આવેલી ગટરમાં ખાબકી હતી. કાર ગટરમાં ઉતરી જતાં બુટલેગરોનો ભાગવાનો તમામ 'ખેલ ખતમ' થઈ ગયો હતો. ગટરમાં ફસાયેલી કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા બંને આરોપીઓને પોલીસે ત્વરિત તરાપ મારીને દબોચી લીધા હતા અને તેમની ફિલ્મી સફરનો અંત આણ્યો હતો.
પોલીસે જ્યારે ગટરમાં ખાબકેલી કારની તલાશી લીધી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારમાં ખાના બનાવીને સંતાડેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૨૪૪ બોટલો મળી આવી હતી. બુટલેગરોની હોશિયારીનો નમૂનો એ વાત પરથી મળ્યો કે કારની અંદરથી વિવિધ રાજ્યોની કુલ ૮ બોગસ નંબર પ્લેટો મળી આવી હતી. આ નંબર પ્લેટોનો ઉપયોગ તેઓ હાઈવે પર પોલીસની નજરથી બચવા અને અલગ-અલગ જિલ્લાઓની સરહદ ઓળંગવા માટે કરતા હતા.
જેતપુર તાલુકા પોલીસે આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, વૈભવી કાર, મોબાઈલ ફોન અને નકલી નંબર પ્લેટો સહિત કુલ રૂ. ૧૬.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ દારૂનો જથ્થો કયા 'મોટા માથા' એ મંગાવ્યો હતો અને તેના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
