News of Sunday, 25th January 2026
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મયોગીઓ અને BLOઓનુ સન્માન
યુવાનો દેશનું ભવિષ્ય, યુવા મતદાતા જાગૃત બને છે ત્યારે લોકતંત્ર વધુ મજબૂત બને છે, સૌએ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ : કેતન ઠક્કર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે. એસ.આઈ.આર. અંતર્ગત મતદાર યાદીને વધુ સચોટ, પારદર્શક અને અપડેટ બનાવવાના ઉદ્દેશથી ઘરદીઠ સર્વે પૂર્ણ કરી સચોટ મતદાર યાદી બનાવવામાં આવી રહી છે. આ કામગીરીમાં બીએલઓ, સુપરવાઈઝર, ચૂંટણી કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ કલેક્ટરશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવા મતદાતા જાગૃત બને છે, ત્યારે લોકતંત્ર વધુ મજબૂત બને છે. આપણે સૌએ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ.
કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, કર્મચારીશ્રીઓ , વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસરશ્રી, બીએલઓ, વગેરેનું સમ્માન કરી કલેકટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં રાષ્ટ્રીય મતદાતા દિવસને અનુરૂપ સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મતદાન કરવા અંગે શપથગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપથિત રહ્યા હતા
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
