<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : પોલીસ, અશ્વદળ તથા સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ અને અનુશાસિત પરેડ આકર્ષણનું કેન્દ્ર : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન

શિવ કથાકાર ગીરીબાપુ ખાસ ઉપસ્થિત : બેન્ડ નિદર્શન, શાસ્ત્રીય નૃત્ય, રાસ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ : ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના-પુષ્પાંજલિ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૬ : પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે દેશના ૭૭માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. 

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ટ્રસ્ટીશ્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, "પ્રજાસત્તાક પર્વ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણા બંધારણના રૂપમાં ભારતને મળેલું મૌલિક અને ન્યાયિક અસ્મિતાનું જીવંત સ્વરૂપ છે " આમ કહી તેમણે ઉપસ્થિત સર્વેને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

 

આ પર્વની ઉજવણીમાં ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના અર્પી પુષ્પાંજલિ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દેશભક્તિની ભાવનાથી નમન કર્યું હતું. આ તકે શિવ કથાકાર ગીરીબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

 

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગી બલૂન આકાશમાં મુક્ત કરવામાં આવ્યા, જેને લઈને સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. પોલીસ, અશ્વદળ તથા સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ અને અનુશાસિત પરેડ પ્રસ્તુત કરવામાં આવી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.

 

આ પ્રસંગે બેન્ડ નિદર્શન, શાસ્ત્રીય નૃત્ય, રાસ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. દેશભક્તિ અને સંસ્કૃતિના સંગમરૂપ આ કાર્યક્રમોએ ઉપસ્થિત ભક્તો અને દર્શકોમાં ગૌરવ, ઉત્સાહ અને આનંદની લાગણી દર્શાવતો કાર્યક્રમ બની રહ્યો હતો.

(1:31 PM IST)