News of Tuesday, 27th January 2026
નણંદ હેતલબેન સાથે પોલીસ ભરતીની તૈયારી માટે દોડવા નીકળેલા જલ્પાબેનનું બાઇકની ઠોકરે મોત
માંગરોળના રહીજ ગામે બનાવ : પરિણીતાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો : ૨૦મીએ સવારે નણંદ-ભોજાઇ દોડવા નીકળ્યા ત્યારે માંગરોળ-પોરબંદર હાઇવે પર કલ્યાણધામ વૃધ્ધાશ્રમ પાસે પાછળથી ટુવ્હીલરના ચાલકે ઠોકર મારી દીધી હતીઃ પુત્ર મા વિહોણો થયોઃ સોલંકી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: માંગરોળના રહીજ ગામે રહેતાં ૩૦ વર્ષિય પરિણીતા પોલીસ ભરતીની તૈયારી અંતર્ગત પોતાના નણંદ સાથે દોડવા માટે નીકળ્યા ત્યારે તેણીને પાછળથી એક બાઇકના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ રહીજ ગામે રહેતાં જલ્પાબેન ગોવિંદભાઇ સોલંકી-આહિર (ઉ.વ.૩૦) તા. ૨૦/૧ના સવારે છએક વાગ્યે પોતાના નણંદ હેતલબેન સાથે દોડવા માટે નીકળ્યા ત્યારે ગામના માંગરોળ-પોરબંદર હાઇવે પર કલ્યાણધામ વૃધ્ધાશ્રમ પાસે પાછળથી જીજે૧૧બીજી-૬૧૩૦ નંબરના બાઇકના ચાલકે ઠોકરે ચડાવી દેતાં જલ્પાબેનને ગંભીર ઇજા થઇ હતી. હેતલબેને બનાવની જાણ પોતાના ભાઇ ગોવિંદભાઇ લખમણભાઇ સોલંકીને કરતાં તે તુરત પહોંચ્યા હતાં અને પત્નિને માંગરોળ હોસ્પિટલમાં ખસેડયા હતાં. ત્યાંથી જુનાગઢ કે. જે. હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં મગજના ભાગે ચાર હેમરેજ હોવાનો અને લિવર, પગમાં પણ ઇજા હોવાનું નિદાન થયું હતું. અહિ મગજનું ઓપરેશન પણ કરાયું હતું.
પરંતુ બે દિવસની સારવાર બાદ રિકવરી ન આવતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિાયન ૨૪મીએ જલ્પાબેને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જલ્પાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં છ વર્ષનો દિકરો છે. પતિ ડ્રાઇવીંગ કરવા સાથે ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. જલ્પાબેન અને તેણીના નણંદ હેતલબેન પોલીસ ભરતીની તૈયારી માટે દરરોજ સવારે દોડવા જતાં હતાં. ૨૦મીએ પણ બંને દોડવા નીકળ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. તેણીના મૃત્યુથી પુત્ર મા વિહોણો થઇ ગયો હતો. બનાવ અંગે માંગરોળ મરીન પોલીસે પતિ ગોવિંદભાઇ સોલંકીની ફરિયાદ પરથી ટુવ્હીલરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૧)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
