News of Tuesday, 27th January 2026
મુળીમાં જીલ્લા પંચાયતના સભ્યના પુત્ર ઉપર ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેનના ભાઇ નિવૃત પોલીસમેનનો ગોળીબાર
વાહન ચલાવવા જેવી બાબતે બજારમાં થયેલ માથાકુટથી લોકો-વેપારીઓમાં ગભરાટ સત્યજીતસિંહને પગમાં ગોળી વાગીઃ હરિશ્ચંદ્રસિંહની શોધખોળઃ ભાજપના બન્ને નેતાઓ હોઇ સમાધાનના પ્રયાસો થયા પણ અંતે ગુન્હો દાખલ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૭: મુળીમાં ભાજપ નેતા જિલ્લા પંચાયત સભ્યના પુત્ર પર ફાયરિંગ થતા ચકચાર મચી છે.
સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક શખ્સે યુવક પર ફાયરિંગ કરી નાસી છૂટયો હતો. આ ઘટનામાં યુવક સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે પક્ષો વચ્ચે કોઈ નાની બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો વધુ બગડતા એક શખ્સે યુવક સત્યજીતસિંહ પરમાર પર ગોળીબાર કર્યો હતો. ગોળી યુવકના પગમાં વાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.પોલીસે તપાસ હાથ ધરી આ ફાયરિંગની ઘટના અંગત અદાવતના કારણે કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. સામાન્ય વાહન ચલાવવા જેવી બાબતમાં થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈએ પરવાનાવાળા હથિયારથી ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મૂળીના મુખ્ય બજારમાં વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈ હરિશ્ચંદ્રસિંહએ પોતાની પાસે રહેલા પરવાનાવાળા હથિયાર (રિવોલ્વર/બંદૂક) માંથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર સત્યજિતસિંહને નિશાન બનાવીને કરવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે.
રાજકીય ગરમાવો અને સમાધાનના પ્રયાસો
આ ઘટનામાં બંને પક્ષો રાજકીય વગ ધરાવતા હોવાથી મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સ્થાનિક મોટા નેતાઓ દ્વારા આ મામલો થાળે પાડવા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે મોડી રાત સુધી ભારે મથામણ કરવામાં આવી હતી.
દબાણો વચ્ચે પોલીસ ફરિયાદ
રાજકીય દબાણ હોવા છતાં, મામલો ગંભીર હોય અને જાહેરમાં ફાયરિંગ થયું હોવાથી અંતે મૂળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને પગલે બજારમાં વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ હવે હથિયારના લાયસન્સ અને ફાયરિંગના કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.
પૂર્વ પોલીસકર્મી હોવા છતા કાયદો હાથમાં લઇને કરાયેલા આ હુમલાથી પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે. પોલીસની તપાસ તેજ ઘટનાની જાણ થતા જ મુળી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. ફાયરિંગ કર્યા બાદ આરોપી હરિશ્ચંદ્રસિંહ પરમાર ર્થળ પરથી ફરાર થઇ ગયા છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસ તેજ કરી છે. રાજકીય વર્ચસ્વ ધરાવતા પરિવારો વચ્ચેના આ વિવાદને પગલે વિસ્તારમાં તંગદિલી ન ફેલાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.ચોંકાવનારી બાબત એ છે કે, ફાયરિંગ કરનાર વ્યક્તિ નિવળત્ત પોલીસ કર્મચારી છે. ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારના ભાઈ અને નિવળત્ત પોલીસકર્મી હરિશ્ચંદ્રસિંહ પરમાર દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ હુમલા પાછળ કોઈ જૂની અંગત અદાવત જવાબદાર હોઈ શકે છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
