<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ

બનાવના સત્‍યને છુપાવવા દાખવેલી બેદરકારી બદલ એસ.પી.ને તપાસ કરી રિપોર્ટ આપવા રેન્‍જ આઈ. જી. ગૌતમ પરમારનો આદેશ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૭: ભાવનગરના બગદાણાના કોળી યુવાન ઉપર થયેલા હુમલાના પ્રકરણમાં એસઆઇટીએ આખરે પુરાવાઓના આધારે જયરાજ આહિરને ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલામાં ડિવાયએસપી અને બે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની પ્રથમથી જ ભૂમિકા શંકાના દાયરામાં હોય, ભાવનગર રેન્‍જ આઇજીએ ત્રણેય અધિકારીઓ સામે એસપીને તપાસ કરવાના આદેશ છોડતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો છે. બીજી તરફ ૨૭ દિવસથી ચર્ચાનું કેન્‍દ્રબિંદુ બનીને રહેલા સમગ્ર મામલે પહેલેથી જ મૌન ધારણ કરીને બેઠેલ જિલ્લા પોલીસ વડા તેમના જ ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ વિરૂદ્ધ શું રિપોર્ટ આપે છે? તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

૨૭ દિવસ પૂર્વે બગદાણાના કોળી યુવાન નીતિનભાઈ બાલધિયા ઉપર આઠ શખ્‍સોએ હુમલો કરી મરણતોલ ઈજા પહોંચાડી હતી. આ ચકચારી ઘટનાના ૨૭ દિવસમાં કેટ કેટલા પોલીસ અધિકારીઓએ તપાસનું તરકટ કરી ખાખીને ડાઘ લાગે તેમ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના પુત્ર અને ભાજપના આગેવાન જયરાજ આહિરને છાવરવા શકય એટલા ધમપછાડા કર્યા હતા. પરંતુ કોળી સમાજ પણ ન્‍યાય માટે લડી લેવાના મૂડમાં જ હોય તેમ સતત આંદોલનો ચલાવી સરકાર અને પોલીસ તંત્ર ઉપર સત્‍યને બહાર લાવવા દબાણ ઉભું કરતા આખરે ન્‍યાયની જીત થઈ હતી અને પોલીસ અધિકારીઓની મેલીમુરાદ બર આવી શકી ન હતી.

કોળી સમાજના નેતાઓએ મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા મળ્‍યા અને તુરંત એસઆઇટીની રચના કરી દેવાઈ હતી. પ્રારંભમાં એસઆઇટીની તપાસ પણ મંદબંધ ગતિએ શરૂ થઈ, પરંતુ ત્‍યારબાદ જેલમાં રહેલા આઠે આરોપીઓના કબજો મેળવી એસઆઇટી એ ફરી રિમાન્‍ડ મેળવી સઘન પૂછપરછ હાથ થતા કોળી યુવાન ઉપર હુમલાના ષડયંત્ર પાછળ અન્‍ય મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્‍યું હતું. જેના આધારે એસઆઇટી એ અન્‍ય પાંચ શખ્‍સોની પણ ધરપકડ કરી હતી. મહુવા શહર ભાજપ ઉપપ્રમુખ  સહિત બે શખ્‍સ એસઆઇટીના રડાર માં આવતા બંનેને બોલાવી નિવેદન નોંધવામાં આવ્‍યા હતા. નવનીત ભાઈએ વિશેષ નિવેદનમાં ૧૫ જેટલા સજ્જડ પુરાવા આપ્‍યા બાદ એસઆઇટીના સંકજામાં જયરાજની ભૂમિકા સામે આવી હતી. જેથી જયરાજને પણ એસઆઇટીનું તેડુ આવ્‍યું હતું અને બીજી વખત સમન્‍સ પાઠવી આખરે તેની પર ધરપકડ કરી તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

પ્રારંભમાં બગદાણાના તાત્‍કાલીન મહિલા પીઆઇ ડાંગર સામે ફરિયાદીના કહેવા મુજબ ગુનો દાખલ થવામાં ન આવતો હોવાનો આરોપ લાગ્‍યો હતો. ઘટનાના બીજા ત્રીજા દિવસે મહિલા ડીવાયએસપી   ઝાલાએ જયરાજને ક્‍લીન ચીટ આપી દીધી હતી. મહુવા પીઆઈ પટેલ સામે પણ તપાસમાં બેદરકારી રાખવાનો  આક્ષેપ થયો હતો . આ ત્રણેય અધિકારીઓ રડારમાં આવ્‍યા છે. અને રેન્‍જ આઈ.જી ગૌતમ પરમારે  ખાતાકીય તપાસ કરવા માટે ભાવનગર એસપી નિતેશ પાંડેયને આદેશ આપી દીધો છે

(11:38 AM IST)