News of Tuesday, 27th January 2026
ઉપલેટાના ઇશરા ગામમાં યુવાને છરીથી ગુપ્તાંગ વાઢી નાંખ્યું: હાથ-ગળા ઉપર પણ ઘા ઝીંક્યા!
પત્નિ મુકીને સંતાનોને લઇ માવતરે રહેતી હોઇ પોતે વર્ષોથી એકલો રહે છેઃ રાજકોટ સારવાર અપાવી ભાવનગર લઇ જવાયો

રાજકોટ તા. ૨૬: ઉપલેટાના ઇશરા ગામે આવેલી કંપનીમાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં મુળ ભાવનગરના યુવાને ઓરડીમાં હતો ત્યારે પોતાના ગુપ્તાંગ પર છરી હુલાવી દઇ વાઢી નાંખતા અને ગળા તથા બંને હાથના કાંડા ઉપર પણ ઘા મારી દેતાં ઇજાઓ થતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઉપલેટા પોલીસને જાણ કરાઇ હતી. જાણવા મળ્યા મુજબ ઉપલેટામાં ઇશરાના પાટીયા પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાંની ઓરડીમાં રહેતો ૪૦ વર્ષનો યુવાન ૨૪મીએ સાંજે કંપનીની ઓરડીમાં હતો ત્યારે જાતે જ છરીથી ગુપ્તાંગ પર ઘા મારી દીધો હતો. આ કારણે ગુપ્તાંગ નોખુ પડી ગયું હતું. તેમજ પોતાના બંને હાથની કલાઇ, ગળા પર ઇજાઓ પહોંચાડી હતી. આ પછી ખોલીમાં કોઇ ન હોઇ કલાકો સુધી લોહી નીકળતી હાલતમાં પડી રહ્યો હતો.
બાદમાં કોઇ મજુર ઓરડીએ તપાસ કરવા આવતાં તે ગંભીર ઇજા થયેલી હાલતમાં મળતાં તેણે કંપનીના જવાબદારોને જાણ કરતાં તુરત જ ઉપલેટા સારવાર માટે ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને નોંધ કરાવી હતી. બનાવની જાણ થતાં આ યુવાનના ભાઇ સહિતના લોકો રાજકોટ પહોંચ્યા હતાં. સારવારમાંથી રજા લઇ આ યુવાનને તેના વતન ભાવનગર લઇ જવામાં આવ્યો હતો. સગાએ જણાવ્યું હતું કે યુવાન પરણેલો છે અને બે ભાઇ, બે બહેનમાં નાનો છે. તેને ત્રણ સંતાન છે. પણ આ યુવાનને નશો કરવાની આદત હોઇ તેના કારણે પત્નિ સંતાનોને લઇ માવતરે જતી રહી છે. ચારેક વર્ષથી આ યુવાન એકલો જ રહે છે અને ગમે ત્યાં કામ કરી લે છે. જ્યાં બનાવ બન્યો ત્યાં તે ઓરડીમાં એકલો જ હોઇ કદાચ દારૂના નશામાં કે પછી એકલવાયા જીવનથી કંટાળી જઇ તેણે આમ કર્યુ હોવાનું સગાએ કહ્યું હતું.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
