<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કચ્‍છમાં ટ્રક પાછળ રિક્ષા અથડાઇ પતિની નજર સામે પત્‍ની અને બાળકનું મોત

ભચાઉ નજીક અકસ્‍માતમાં ૨ વર્ષના માસૂમ પુત્રના મોત બાદ ઇજાગ્રસ્‍ત પત્‍નીનું મોતઃ આડશ રિફ્‌લેક્‍ટર વગર રસ્‍તા વચ્‍ચે ઊભેલી ટ્રકે પરિવારનો માળો પીંખ્‍યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ કચ્‍છના રસ્‍તાઓ જાણે અકસ્‍માત ઝોનમાં ફેરવાયા હોય એમ અકસ્‍માતની વણથંભી વણઝાર ચાલુ છે. ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે ઉપર બનેલા માર્ગ અકસ્‍માતમાં પતિની નજર સામે જ માસૂમ પુત્રનું મોત નીપજ્‍યું હતું જ્‍યારે ઇજાગ્રસ્‍ત પત્‍નીએ સારવાર દરમ્‍યાન દમ તોડ્‍યો હતો. બબ્‍બે મોત નીપજતાં એક પરિવારનો માળો પીંખાયો હતો. માર્ગ સલામતી સપ્તાહની જાગળતિ મીડિયા પૂરતી જ હોય એવી પરિસ્‍થતિ છે. ભચાઉ નેશનલ હાઇવે ઉપર કોઈ પણ આડશ કે સિગ્નલ વગર રસ્‍તા વચ્‍ચે ઊભેલી ટ્રક પાછળ રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકના પુત્ર વર્ષીય બાળક તાહિરનું મોત નીપજ્‍યું હતું જ્‍યારે પત્‍ની શેરબાનુને ઇજાઓ થતાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા જ્‍યાં સારવાર દરમ્‍યાન તેમનું મોત નીપજ્‍યું હતું. ભચાઉથી ખરીદી કરીને પરત ઘેર જઈ રહેલ પરિવારનો માળો પીંખાયો હતો. આ અકસ્‍માત ૨૦ જાન્‍યુઆરીના બન્‍યો હતો જેમાં માસૂમ પુત્ર એ તુરત જ જીવ ગુમાવ્‍યો હતો જ્‍યારે પત્‍નીનું ૪ દિવસની સારવાર બાદ કરૂણ મોત નીપજ્‍યું હતું. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 PM IST)