News of Wednesday, 28th January 2026
ભુજના નિવૃત મહિલા પીએસઆઇને ડિજિટલ એરેસ્ટ કરી ૮૩ લાખ પડાવ્યા
બે મહિનાથી એરેસ્ટ મહિલાને થાઈલેન્ડ મિલિટરીએ કચ્છ પોલીસને જાણ કરી છોડાવ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮: સરકાર, પોલીસ અને મીડિયા દ્વારા વારંવાર ઓનલાઇન ઠગાઈ તેમ જ ડિજિટલ એરેસ્ટ સામે સાવધાન રહેવા સૂચનાઓ અપાય છે છતાંય સાઇબર ક્રાઇમની જાળમાં લોકો ફસાઈને લાખો રૂપિયા ગુમાવે છે. ભુજમાં એકલા રહેતા નિવળત્ત મહિલા પીએસઆઈ રાજલક્ષ્મીબેન ચિદમ્બરમ જોશી સાથે સાઇબર ઠગોએ કરેલી ૮૩.૪૪ લાખની ઠગાઈએ ચકચાર સાથે સાઇબર ઠગો ઉપર અંકુશ આણવા સરકાર કડક કાયદો ઘડે એવી ચર્ચા જગાવી છે.
આ કિસ્સામાં થાઇલેન્ડ મિલિટરી એન્ડ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ત્યાં વિદેશમાં સાઇબર ચીટર ગેંગ ઉપર પાડેલા દરોડા દરમ્યાન ધ્યાને આવ્યું હતું કે આ ઠગોએ ભુજના એક મહિલાને બે મહિનાથી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા છે. એટલે થાઇલેન્ડ મિલિટરી દ્વારા કચ્છ બોર્ડર રેન્જ સાઇબર સેલને માહિતી અપાતા ભુજ પોલીસે આ મહિલાને ઘેર પહોંચી ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.
પોલીસે આ અંગે નોંધેલી ફરિયાદ અનુસાર ટ્રાઈ, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને મુંબઈ કોલાબા પોલીસને નામે નરેશ ગોયલ ઉપર મની લોન્ડરિંગ કેસ થયો હોવાનું કહી એમાં તમારા સીમ કાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવી ૬ કરોડની હેરાફેરી કરાઈ છે પણ અમે તમારો તેમાં બચાવ કરીશું એવી વાત દ્વારા વિશ્વાસમાં લીધા હતા. તેમને વ્હોટ્સ એપ કોલ સાથે ડિજિટલ એરેસ્ટ કરી સહકાર આપવા કહી બેંક ખાતાની વિગતો મેળવી જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે બેંક ખાતાના રૂપિયા ઠગોના એકાઉન્ટમાં મોકલી તપાસ બાદ પરત કરી દેવાના નામે ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લેવાયા. આ કેસમાં સાઇબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
