<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

મોરબી કલેક્‍ટર એક્‍શન મોડમાં: ટંકારા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયતોમાં ‘સરપ્રાઈઝ વિઝિટ'

ટંકારા, તા.૨૮: મોરબી જિલ્લા કલેક્‍ટર કે.બી. ઝવેરીએ ગઈ સાંજે ટંકારા ખાતે ઓચિંતી મુલાકાત લેતા સરકારી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ, બીજા જ દિવસે જિલ્લા વડાએ ગ્રાઉન્‍ડ લેવલની કામગીરી તપાસવા જાતે મેદાનમાં ઉતરી આવ્‍યા હતા. અને ખાલી વાત નહી કામ પણ કરી બતાવ્‍યું.

સામાન્‍ય રીતે ઓફિસનો સમય પૂરો થવાની તૈયારીમાં હોય ત્‍યારે, સાંજે બરાબર ૬:૦૦ વાગ્‍યે ટંકારા મામલતદાર કચેરીએ પહોંચ્‍યા હતા. કલેક્‍ટરની ગાડી કચેરીના પટાંગણમાં આવતા જ સ્‍ટાફ ચોંકી ઉઠ્‍યો હતો. તેમણે કચેરીની વિવિધ શાખાઓમાં જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પેન્‍ડિંગ ફાઈલો તેમજ અરજદારોના પ્રશ્‍નો અંગે પળચ્‍છા કરી હતી.

નશીતપર ખિજડીયા ગ્રામ્‍ય પંચાયતોની પણ લીધી મુલાકાત માત્ર મામલતદાર કચેરી જ નહીં, પણ કલેક્‍ટરે ટંકારા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ પંચાયત કચેરીઓની મુલાકાત લીધી હતી. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે છે કે કેમ અને પંચાયત સ્‍તરે વહીવટ કેવો ચાલી રહ્યો છે, તેની તેમણે પ્રત્‍યક્ષ વિગતો મેળવી હતી. જિલ્લા વડાના આ ઓચિંતા ચેકિંગને કારણે આળસુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રજાસત્તાક પર્વની રજાના મૂડમાંથી બહાર આવીને વહીવટી તંત્ર કામમાં જોતરાયેલું રહે તેવો સ્‍પષ્ટ સંદેશ આ વિઝિટ દ્વારા આપવામાં આવ્‍યો હોય તેમ જણાય છે. જોકે ટંકારા મામલતદાર કચેરી ખાતે તમામ સ્‍ટાફ ગણ હાજર મળી કામમાં હોય કલેકટર દ્વારા પ્રસંશા પાત્ર બન્‍યો હતો.

 

(11:54 AM IST)