<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

આનંદો : ગુજરાતમાં આવતીકાલથી ઠંડીમાં મળશે રાહત : ત્રણ દિવસ સુધી લધુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધશે

આ ત્રણ દિવસ બાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે: 30મી તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) નોર્ધર્ન ઇન્ડિયા (ઉત્તર ભારત) માં એપ્રોચ કરશે

અમદાવાદ : ગુજરાતમાં ઠંડીમાં વઘ-ઘટનો અનુભવ હજુ થોડા દિવસ જોવા મળશે. આગામી ત્રણ દિવસ આ પ્રકારનું હવામાન રાજ્યમાં જોવા મળી શકે છે. ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ પારો ઉંચકાશે જેના પગલે રાત્રે અને વહેલી સવારે અનુભવાતી ઠંડીમાં ઘટાડો નોંધાશે. જોકે ત્યારપછી ફરી લઘુત્તમ પારો નીચે જશે અને ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આજે 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી અને મહત્તમ તામપાન 26 ડિગ્રી નોંધાયું છે 

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. પવનની દિશા બદલાતા લોકોને ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થશે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લધુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળશે. જેના પગલે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ ત્રણ દિવસ બાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે. 30મી તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) નોર્ધર્ન ઇન્ડિયા (ઉત્તર ભારત) માં એપ્રોચ કરશે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે, જેના પરિણામે ત્રણ દિવસ પછી તાપમાનમાં ફરી થોડો ઘટાડો નોંધાશે.

 

આજે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઇકાલની સરખામણીએ કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સુરતમાં 29 ડિગ્રી, રાજકોટમાં 28.5, વેરાવળમાં 28.2, વડોદરામાં 27.6, મહુવામાં 27.6, સુરેન્દ્રનગરમાં 27.5, પોરબંદરમાં 27.2, વલ્લભ વિદ્યાનગરમાં 26.9, કેશોદમાં 26.5, અમરેલીમાં 26.3, ભાવનગરમાં 26.2, અમદાવાદમાં 26, કંડલા પોર્ટમાં 26, ગાંધીનગરમાં 25.8, નલિયામાં 25.8, ડીસામાં 25.6, ભુજમાં 25.4, દ્વારકામાં 25.4, ઓખામાં 23.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

 

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના પગલે સવારે અને રાત્રીના સમયે ઠંડી અનુભવાઇ હતી. નલિયામાં 7 ડિગ્રી, કેશોદમાં 10.1, ડીસામાં 10.5, રાજકોટમાં 10.7, ભુજમાં 11, પોરબંદરમાં 11.4, વડોદરામાં 11.8, અમરેલીમાં 12, સુરેન્દ્રનગરમાં 12.2, ગાંધીનગરમાં 12.5, મહુવામાં 12.6, વલ્લભ વિદ્યાનગરમાં 13, કંડલા પોર્ટમાં 13.3, ભાવનગરમાં 13.6, અમદાવાદમાં 13.6, દ્વારકામાં 14.3, વેરાવળમાં 14.8, સુરતમાં 15.1, ઓખામાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(11:31 PM IST)