News of Thursday, 29th January 2026
વિંછીયાના નાનામાત્રા ગામે કારથી કચડી ગભરૂભાઇની હત્યા
હત્યાનો ભોગ બનનારે આરોપી ભગાની માતાનો હાથ પકડતા તેનુ મનદુઃખ રાખી આરોપીએ બાઇક ઉપર કાર ચડાવી દઇ પતાવી દિધોઃ પુત્રીને પણ ઇજા થતા બોટાદ હોસ્પીટલમાં : વિંછીયાના પી.આઇ. આનંદ ડામોર તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી ભગા ગરાભડીયાને ઝડપી લીધો

રાજકોટ તા.૨૯: વિંછીયાના નાનામાત્રા ગામે માતાનો હાથ પકડયાનું મનદુઃખ રાખી યુવાનને કારથી કચડી નાંખી હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તુર્ત જ આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવમાં મૃતકની પુત્રીને પણ ઇજા થઇ હતી.
મળતી વિગતો મુજબ વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા ગભાભાઇ ઉર્ફે ગભરૂભાઇ મેરામભાઇ ગરાભડીયા (ઉ.વ.૪૦) પુત્રી કૈલાશ સાથે વાડીએથી દવા છાંટી પરત ફરી રહયા હતા ત્યારે તે જ ગામના ભગા મનસુખભાઇ ગભરાડીયા નામના શખ્સે તેની કાર પિતા-પુત્રીની માથે ચડાવી દઇ કચડી નાખી ગભાભાઇની હત્યા કરી નાખી હતી. જયારે તેની પુત્રીને ઇજા પહોંચાડી હતી.
વિંછીયા પોલીસે મળતકના પત્ની રમીલાબેન ઉર્ફે જસુબેન (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી આરોપી ભગા ગરાભડીયા સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. રમીલાબેને - પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ગઇકાલે સવારે તેના પતિ ગભાભાઈ- પુત્ર રોહિત અને પુત્રી કૈલાશ સાથે - રણછોડભાઈ ગરાભડીયાની વાડીએ દવા છાંટવા માટે જવાનું હોવાથી બાઈક પર ગયા હતા. દસેક મીનીટ બાદ તેણે પતિ ગભાભાઈને ફોન કરતા ઉપડયો હતો ત્યારે ફોનમાં અવાજ આવતો હતો કે, ‘‘ગાડી નીચે છે, બધા જલદી આવો''. જેથી તે તેના જેઠના દિકરા દિપક સાથે બાઈક પર વાડીના કાચા રસ્તે જવા રવાના થયા હતા.
જયાં જઈને જોતા એક કાર પડેલી હતી. જેની પાછળ તેની પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. જયારે ગાડી નીચે, જોતા તેના પતિ ગાડી નીચે લોહીલુહાણ હાલતમાં હતા. આ સમયે તેનો પુત્ર સહિતના લોકો ત્યાં ઉભા હતા. ત્યારબાદ તમામે ગાડી ઉઠાવી ગભાભાઈને બહાર કાઢયા હતા. તેણે પુત્ર રોહિતને પૂછતા તેણે વાત કરી હતી કે, પપ્પા અને બહેન કૈલાશ દવા છાંટવા માટે મુકીને બાઈક પર જતા હતા ત્યારે આરોપી ભગાએ પાછળથી ઈરાદાપૂર્વક તેની કાર લઈ આવી બાઈક પર ચડાવી દીધી હતી. તેણે જોતા આરોપી દરવાજો ખોલી ભાગી ગયો હતો.પરિવારજનોએ તત્કાલ ગભાભાઈને વિંછીયા દવાખાને લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મળત જાહેર કર્યા હતા. જયારે તેની પુત્રી કૈલાશને બોટાદ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
પોલીસે જણાવ્યું કે, આરોપી ભગો અને તેની માતા ગભાભાઈની ઘરની બાજુમાં રહે છે. બે-ત્રણ માસ પહેલા આરોપીની માતાએ બધાને કહ્યું હતું કે, ગભાભાઈએ તેનો હાથ પકડ્યો છે. ત્યારે આરોપીએ ગભાભાઈને ગાળો આપી ‘તને તો આજે પતાવી દેવો છે' તેમ ધમકી આપી હતી. પરંતુ કૌટુંબીકભાઈઓએ બને પક્ષોનું સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ આરોપી તેની માતા સાથે બહારગામ રહેવા જતો રહ્યો હતો.
ગઈકાલે તા.૨૭ના આરોપી કાર લઈને આવ્યો હતો. તેના ઘરની બાજુમાં રાખી આરોપી ગભાભાઈની બહાર નિકળવાની રાહ જોતો હતો. આજે સવારે ગભાભાઈ બાઈક લઈને નિકળ્યા બાદ આરોપી પણ તેની કાર લઈને નિકળ્યો હતો. બાદમાં ગભાભાઈ પર કાર ચડાવી કચડી હત્યા કરી નાખી હતી.
બનાવના પગો વિંછીયાના પી.આઇ. એ.સી. ડામોર તથા સ્ટાફે તપાસ હાથધરી ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપી ભગાને ઝડપી લઇ વધુ પૂછતાછ હાથધરી છે.(૨.૧૦)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
