News of Thursday, 29th January 2026
૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોક્સો હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા
૨૩ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓને તપાસી ભુજની પોક્સો કોર્ટે ફટકારી આકરી સજા

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા. ર૯: વર્ષ ૨૦૨૨ માં ભુજમાં ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરનાર આરોપીને ભુજની પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ૫૮ હજારનો દંડ ફટકાર્યો છે. મૂળ યુપી અને હાલ દિલ્હી રહેતો આરોપી અખિલેશ ગુરુચરણ શર્મા ૨૦૨૨ માં ભુજ આવ્યો ત્યારે ભોગ બનનાર ફરિયાદી સગીરાના ઘેર રોકાયો હતો. એ સમયે આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી અપહરણ કરી ત્યાં દિલ્હી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે કેસ ભુજના પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલતા ૨૩ દસ્તાવેજી પુરાવાઓ અને ૧૨ સાક્ષીઓની જુબાની તપાસી આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તેમ જ ૫૮ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો છે. કોર્ટ દ્વારા ભોગ બનનારને ૪ લાખનું વળતર ચૂકવવા માટે ડીએલએસએ ને ભલામણ કરવા હુકમ કરી સીડબલ્યુસી તથા ડીસીપીયુ ને ભોગ બનનારનો સંપર્ક કરી તેનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃ સ્થાપિત કરવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
