News of Saturday, 31st January 2026
ઉપલેટામાં ‘ગાંધીગીરી' ગંદકીથી ત્રસ્ત શિક્ષકે પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ કચરો ઠાલવ્યો!
એક મહિનાથી સફાઈ કામગીરી ઠપઃ રોષે ભરાયેલા જાગળત નાગરિકનો અનોખો વિરોધ, ‘‘ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?'' જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી શહેરીજનોને કચરો પાલિકા કચેરીએ ઠાલવવા આવવાની માટેની પણ હાંકલ કરી

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા તા.૩૧, ઉપલેટા શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ છે અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન બંધ હોવાથી લોકોના ઘરો અને દુકાનોમાં કચરાના ઢગલા ખડકાયા છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા એક જાગળત નાગરિક અને શિક્ષકે ઉપલેટા નગરપાલિકાની કચેરીએ પહોંચી, પોતાના ઘરે એકત્ર થયેલો કચરો સીધો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઠાલવીને અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા પ્રજા પાસેથી સફાઈ વેરો વસૂલે છે, છતાં યોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહી છે.
પ્રજાના પૈસે ઓફિસમાં એસીની ઠંડી હવા ખાતા અધિકારીઓ અને પદાધિકારીઓને લોકોની પીડાનો અહેસાસ કરાવવા માટે આ પગલું ભરવું પડયું છે. આ તકે રોષે ભરાયેલા નાગરિકે અન્ય શહેરીજનોને પણ અપીલ કરી હતી કે, જ્યાં સુધી નગરપાલિકા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરે, ત્યાં સુધી દરેકે પોતાના ઘરનો કચરો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં કે કમ્પાઉન્ડમાં ઠાલવવો જોઈએ, જેથી જવાબદાર અધિકારીઓ કાળા ચશ્મા ઉતારીને પોતાની જવાબદારીઓ નિભાવવા માટે મજબૂર બને.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
