<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ઉપલેટામા 15 વર્ષની દિકરી પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો સગા બાપ પર આરોપ : ઉપલેટા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ દિવ્યાંગ પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી

પત્ની કેન્સરની બીમારીમાં સપડાઈ પથારીવશ થતા પિતાની નિયત દીકરી પર બગડી હતી યુવતી 15 વર્ષની હતી ત્યારે હેવાન પિતાએ તેની પ્રથમવાર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપીએ સતત સગીરાનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું'તુ

રાજકોટ તા.૩૧ : પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી એક ઘટના ઉપલેટાથી સામે આવી છે. 15 વર્ષની દિકરી પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો સગા બાપ પર આરોપ છે. આ ચકચારી બનાવને પગલે ઉપલેટા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ દિવ્યાંગ પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાગળો કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

15 વર્ષીય સગીરાએ જણાવી આપવીતી

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટામાં રહેતી પુખ્તવયની યુવતીએ સગા પિતાએ આચરેલા રાક્ષસી કૃત્યની વિગતો આપી હતી. આ સાંભળી પોલીસના પગ તળેથી પણ સહેજ વાર માટે જમીન સરકી ગઈ હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની માતાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાથી તેઓ છેલ્લા ચારેક વર્ષથી પથારીવશ છે. જ્યારે તેના 40 વર્ષીય પિતા પોતે દિવ્યાંગ છે અને પંખો રિપેરિંગ કરવાનું કામ કરે છે.

સગો બાપ 4 વર્ષ સુધી કરતો રહ્યો શોષણ

પત્ની કેન્સરની બીમારીમાં સપડાઈ પથારીવશ થતા પિતાની નિયત દીકરી પર બગડી હતી. યુવતી 15 વર્ષની હતી ત્યારે હેવાન પિતાએ તેની પ્રથમવાર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપીએ સતત સગીરાનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું. પુત્રી જ્યારે પણ આ બાબતનો વિરોધ કરે તો આરોપી મારકૂટ કરી બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ ગુજારતો હતો.

(4:55 PM IST)