<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા કારચાલકે અડફેટે લેતા સિંહણનું મોત

નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી:જાફરાબાદ રેન્જનો વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા કારચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું છે. નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સિંહણનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જાફરાબાદ રેન્જનો વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના મોત નીપજ્યા છે. વનવિભાગ દ્વારા CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાઈ છે.

 મળતી માહિતી અનુસાર, ગીરનાં જાફરાબાદ રેન્જમાં અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે આવતી કારથી સિંહણને ટક્કર મારી દીધી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ હિટ એન્ડ રન કેસમાં કારચાલક ટોલનાકામાંથી પસાર થઈ ઊના તરફ ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી છે.

 રાત્રિના સમયે જ્યારે સિંહણ હાઈવે ક્રોસ કરી રહી હતી. પૂરપાટ ઝડપે આવતી કારે તેને અડફેટે લીધી અને ગંભીર ઈજાઓને કારણે સિંહણનું તાત્કાલિક મોત થયું. જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. વનવિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી કારચાલકની શોધખોળ આદરી છે. માહિતી અનુસાર, છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના અકસ્માતમાં મોત નીપજ્યા છે.

 

(11:54 PM IST)