News of Sunday, 1st February 2026
બોટાદમાં કાળમુખા ટ્રકે મજૂરોની ખુશીઓ રોળી: રાણપુરની કિનારા ચોકડી પાસે લોહિયાળ અકસ્માત, ઈકોના કચ્ચરઘાણમાં 3 શ્રમિકોના કમકમાટીભર્યા મોત
મધ્ય પ્રદેશથી રોજીરોટીની આશાએ ગુજરાત આવેલા પરિવાર પર આભ ફાટ્યું: પૂરઝડપે આવતા ટ્રકની ટક્કરે કારનો લોચો વાળી દીધો, ચીસો અને અફરાતફરી વચ્ચે રસ્તા પર લાશોના ઢગલા; 4 ગંભીર ઈજાગ્રસ્તો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

બોટાદઃ બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલી કિનારા ચોકડી આજે વહેલી સવારે રકતથી ખરડાઈ હતી. ખેતીકામ માટે મધ્ય પ્રદેશથી આશા ભરેલી આંખે ગુજરાત આવી રહેલા શ્રમિકો માટે આ સફર આખરી સાબિત થઈ છે. એક પૂરપાટ ઝડપે ધસી આવેલા કાળમુખા ટ્રકે મજૂરો ભરેલી ઈકો કારને એવી જોરદાર ટક્કર મારી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારના પતરા ચીરીને અંદર ફસાયેલા શ્રમિકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ કમનસીબ શ્રમિકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલના બિછાને છે.
મળતી માહિતી મુજબ, ઈકો કારમાં સવાર લોકો મધ્ય પ્રદેશના એક ગામમાંથી રોજગાર માટે ગુજરાત તરફ આવી રહ્યા હતા. તેઓ ખેતી કામ માટે રાણપુર તાલુકાના એક ગામે પહોંચવાના હતા, ત્યારે અચાનક પૂરજોશમાં આવી રહેલી ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને અંદર બેઠેલા લોકોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી.
અકસ્માતનો અવાજ સંભળાતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, રાણપુર પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્રણ મજૂરોના મોતની પુષ્ટિ થતાં વિસ્તારભરમાં શોક છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતના કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલકની ભૂમિકા અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
