News of Sunday, 1st February 2026
ભાવનગરમાં આજે 'કોળી શક્તિ'નું શક્તિપ્રદર્શન: બગદાણા વિવાદ બાદ સમાજની મહાપંચાયત, રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ!
ન્યાયની માંગ સાથે યોજાશે વિશાળ 'ન્યાયસભા'; માયાભાઈ આહીરના પુત્રની ધરપકડ બાદ મામલો ગરમાયો, શું ભાવનગરના રાજકીય સમીકરણોમાં આવશે મોટું તોફાન?

ભાવનગર: ગોહિલવાડની ધરતી પર આજે સામાજિક એકતા અને ન્યાયની લડાઈનો એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. બગદાણામાં બનેલી મારામારીની ઘટના અને ત્યારબાદ ફેલાયેલા વિવાદે હવે એક વિશાળ જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સાંજે ભાવનગર ખાતે કોળી સમાજનું એક વિરાટ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેને લઈને માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સંમેલનને 'ન્યાયસભા'નું નામ આપવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા બાદ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ કેસમાં તળાજા ભાજપના યુવા પ્રમુખ અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલના સળિયા પાછળ છે. આ હાઈપ્રોફાઈલ ધરપકડ બાદ સામાજિક સમીકરણો બદલાયા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આજે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે યોજાનારી આ સભામાં જે યુવાનો અને આગેવાનોએ ન્યાયની આ લડતમાં ખભેખભા મિલાવીને સાથ આપ્યો છે, તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવશે.
આ સભા માત્ર સન્માન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને એક મજબૂત રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના તમામ નાના-મોટા સંગઠનો અને દિગ્ગજ નેતાઓને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે. જે રીતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, તે જોતા લાગે છે કે કોળી સમાજ પોતાની તાકાત બતાવીને સિસ્ટમ અને સત્તા સામે મજબૂત રજૂઆત કરવા જઈ રહ્યો છે. આ ન્યાયસભા બાદ ભાવનગરના સ્થાનિક રાજકારણમાં 'નવાજૂની' થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના પર રાજકીય વિશ્લેષકોની કડક નજર છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
