News of Sunday, 1st February 2026
ગીરના ઉંડા કૂવામાં મોત સામે ઝઝૂમ્યું સિંહબાળ: ૫૦ ફૂટ ઊંડા પાણીમાં ૬ મહિનાના વનરાજનો શ્વાસ અધ્ધર; વન વિભાગે 'જીવ સટોસટ'નો ખેલ ખેલી બચ્ચાને ઉગાર્યું!
ઝાંઝરિયા ગામની સીમમાં કાળમુખા કૂવામાં ખાબક્યું માસૂમ સિંહબાળ; માત્ર મોઢું પાણીની બહાર રાખી કલાકો સુધી લડ્યું જીવનનું યુદ્ધ, જસાધારની રેસ્ક્યુ ટીમે દિલધડક ઓપરેશન પાર પાડી ફરી માતા સિંહણ સાથે મિલન કરાવવાની કવાયત તેજ કરી

ઊના (ગીર સોમનાથ): ગીર ગઢડા તાલુકાના ઝાંઝરિયા ગામની સીમમાં આજે વહેલી સવારે એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ખેડૂત રવિસિંહ વાળાની વાડીમાં આવેલા અંદાજે ૫૦ ફૂટ ઊંડા અને પાણીથી છલોછલ કૂવામાં રાત્રિના અંધકારમાં એક ૬ મહિનાનું માસૂમ સિંહબાળ અકસ્માતે ખાબક્યું હતું. સવારે જ્યારે વાડી માલિક કૂવા પાસે પહોંચ્યા ત્યારે કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહબાળ આખું પાણીમાં ડૂબેલું હતું અને માત્ર પોતાનું મોઢું પાણીની સપાટીથી બહાર રાખી જીવન અને મરણ વચ્ચે છેલ્લી લડાઈ લડી રહ્યું હતું. આ જોતા જ ખેડૂતે તુરંત વન વિભાગને જાણ કરી હતી.
જસાધાર વન વિભાગની આર.એફ.ઓ. ભરવાડની 'રેસ્ક્યુ ટીમ' ગણતરીની મિનિટોમાં જ પાંજરા અને દોરડા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન એટલું જોખમી હતું કે એક વનકર્મીએ પોતાના જીવની પરવા કર્યા વગર પાંજરા સાથે કૂવાની ઉંડાઈમાં ઉતરીને પાણીમાં તરતા સિંહબાળને કુશળતાપૂર્વક હાથથી પકડી પાંજરામાં કેદ કર્યું હતું. સદનસીબે રેસ્ક્યુ વખતે આસપાસ સિંહણની હાજરી ન હોવાથી કોઈ મોટી આફત ટળી હતી. સિંહબાળને સુરક્ષિત બહાર કાઢી તુરંત પ્રાથમિક સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે.
વન વિભાગ હવે આ માસૂમ બાળને તેની વિખૂટી પડેલી માતા સાથે મિલાવવા માટે જંગે ચડ્યું છે. જે કૂવામાં સિંહબાળ પડ્યું હતું તેની આસપાસ જ પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને સિંહણનું લોકેશન મેળવવા માટે આખા વિસ્તારમાં ફૂટમાર્ક અને ટ્રેકિંગ શરૂ કરી દેવાયું છે. ગીરના આ વનરાજોના ગ્રુપમાંથી વિખૂટું પડેલું બચ્ચું ફરી ક્યારે તેની માતાના ખોળામાં પહોંચે છે, તેના પર વન પ્રેમીઓની નજર ટકી છે. આ ઘટનાએ ફરી એકવાર ગીરમાં ખુલ્લા કૂવાઓને કારણે વન્યજીવો પર તોળાતા જોખમની ગંભીરતા છતી કરી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
