News of Sunday, 1st February 2026
ગોંડલમાં પોલીસ Vs નેતાપુત્ર: ફરજમાં રૂકાવટની ફરિયાદ બાદ નિરજ ડાભીનો વળતો પ્રહાર; પોલીસ પર લગાવ્યો લૂંટ અને મારપીટનો ગંભીર આક્ષેપ!
ભુપત ડાભીના ભત્રીજાની SP ને ધગધગતી અરજી: "પોલીસે કાન પર ફડાકા મારી ₹૧૬૦૦ લૂંટી લીધા"; ખાખી વર્દી સામે લૂંટના આક્ષેપથી ગોંડલના રાજકારણમાં ગરમાવો, શું આ બચાવનો દાવ છે કે પોલીસની દબંગગીરી?

ગોંડલ: સૌરાષ્ટ્રના ગોંડલમાં અત્યારે પોલીસ અને રાજકીય વગ ધરાવતા પરિવાર વચ્ચે જબરદસ્ત 'કોલ્ડ વોર' શરૂ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીના પુત્ર અને પૂર્વ ચેરમેન ભુપત ડાભીના ભત્રીજા નિરજ ડાભી સામે તાજેતરમાં જ પોલીસની ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધાયો હતો. જોકે, પોલીસ પકડે તે પહેલા જ નિરજ ડાભીએ જિલ્લા પોલીસ વડા (SP) અને PI ને એક ચોંકાવનારી અરજી આપીને સમગ્ર કેસમાં નવો વળાંક લાવી દીધો છે. નિરજનો આક્ષેપ છે કે, પોલીસે તેની પાસેથી બળજબરીથી રોકડની લૂંટ કરી છે.
અરજીમાં નિરજ ડાભીએ હૃદયદ્રાવક વિગતો વર્ણવતા જણાવ્યું કે, તેઓ જ્યારે અમરેલીથી લગ્ન પ્રસંગ પતાવી પોતાની માતા સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે મોવિયા ગામ પાસે બીટ જમાદાર હેમલભાઈ બોરીચા અને અન્ય પોલીસ કર્મચારીઓએ તેમની ગાડી રોકી હતી. નિરજનો દાવો છે કે કાગળો બતાવવા છતાં પોલીસે પૈસાની માંગણી કરી હતી. જ્યારે તેણે ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા જમાદારે તેને કાનના ભાગે ફડાકા ઝીંકી દીધા હતા અને ખિસ્સામાં રહેલા ₹૧૬૦૦ બળજબરીથી લૂંટી લીધા હતા. એટલું જ નહીં, ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે.
બીજી તરફ, પોલીસના સૂત્રો મુજબ નિરજ ડાભી સામે ગત ૨૯ તારીખે અકસ્માત સ્થળ પર પંચનામું કરી રહેલી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાયેલી છે. હાલ નિરજ ડાભીનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે અને તે પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શું ખરેખર પોલીસ દ્વારા 'ખાખી'નો રોફ જમાવી લૂંટ કરવામાં આવી છે? કે પછી પોલીસની ધરપકડથી બચવા માટે નિરજ દ્વારા આ વળતો આક્ષેપ કરવામાં આવ્યો છે? ગોંડલમાં અત્યારે આ 'લૂંટ અને ફડાકા' કાંડ ચર્ચાના ચકડોળે ચડ્યો છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
