તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Sunday, 1st February 2026
સોમનાથના દરબારમાં અમદાવાદના દંપતીના ખોવાયેલા બેગ-મોબાઈલ પોલીસે શોધી આપ્યા: ખાખી વર્દીએ 'અતિથિ દેવો ભવ:' ના સૂત્રને કર્યું સાર્થક!
ત્રિવેણી સંગમના કિનારેથી ગુમ થયેલી કિંમતી વસ્તુઓ ગણતરીની મિનિટોમાં પરત: પોલીસની માનવતા જોઈ યાત્રિકોની આંખો ભરાઈ આવી; અમદાવાદના પરિવાર માટે પ્રભાસ પાટણ પોલીસ બની 'દેવદૂત'

પ્રભાસ પાટણ (ગીર સોમનાથ): યાત્રાધામ સોમનાથના પવિત્ર સાનિધ્યમાં જ્યારે એક શ્રદ્ધાળુ પરિવાર મુશ્કેલીમાં મુકાયો, ત્યારે ગીર સોમનાથ પોલીસે પોતાની ત્વરિત કામગીરીથી સાબિત કરી દીધું કે 'પોલીસ પ્રજાનો સાચો મિત્ર' છે. અમદાવાદથી સોમનાથ દાદાના દર્શને આવેલા લખન ભુવનેશ્વરભાઈ પાસ્વાન અને તેમના પત્ની બબીતાબેન જ્યારે ત્રિવેણી સંગમ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમનો સામાન અને બે મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હતા. અજાણ્યા શહેરમાં કિંમતી ફોન અને દસ્તાવેજો ભરેલી બેગ ખોવાઈ જતા આ દંપતીના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.
ચિંતાતુર હાલતમાં આ દંપતી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પહોંચ્યું અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીને પોતાની આપવીતી જણાવી. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ ટીમે આ મામલે સહેજ પણ વિલંબ કર્યા વગર ઓપરેશન શરૂ કર્યું. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલી બેગ અને બંને મોબાઈલ ફોન જે-તે સ્થિતિમાં શોધી કાઢ્યા હતા.
જ્યારે પોલીસે આ દંપતીને બોલાવીને તેમનો સામાન પરત સોંપ્યો, ત્યારે તેમના ચહેરા પર છવાયેલી ખુશી અને રાહત જોવા જેવી હતી. લખનભાઈ અને બબીતાબેને ગળગળા સાદે સોમનાથ પોલીસનો આભાર માનતા કહ્યું કે, "અમે આશા છોડી દીધી હતી, પણ પોલીસે જે રીતે અમારી મદદ કરી છે તે ખરેખર વંદનીય છે." પ્રભાસ પાટણ પોલીસની આ નૈતિકતા અને ફરજનિષ્ઠાએ સોમનાથ આવતા લાખો યાત્રિકોમાં સલામતીનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
