તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
ટંકારામાં શ્રમિક પરિવારની માસૂમ દીકરીનું અપહરણ: લગ્નની માયાજાળ રચી બિહારી શખ્સ ૧૪ વર્ષની સગીરાને ભગાડી ગયો!
મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર પર આભ તૂટ્યું: ટંકારાના ગ્રામ્ય પટ્ટામાં મજૂરી કરતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવી સુનીલ મહતો નામનો શખ્સ ફરાર; પોલીસે નાકાબંધી કરી અપહરણકર્તાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા

ટંકારા (મોરબી): મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના શાંત ગણાતા ગ્રામ્ય પંથકમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક શ્રમિક પરિવારની ૧૪ વર્ષની સગીર વયની દીકરીનું અપહરણ થયું છે. મૂળ મધ્યપ્રદેશનો અને હાલ ટંકારા પંથકમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની આ માસૂમ દીકરી પર બિહારના એક શખ્સની નજર બગડી હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી, પ્રેમજાળમાં ફસાવી અને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી સુનીલ મોતીલાલ મહતો (રહે. બિહાર) એ સગીરાની નાદાનિયતનો લાભ ઉઠાવ્યો હતો. પરિવાર જ્યારે મજૂરી કામમાં વ્યસ્ત હતો, ત્યારે મોકો જોઈ સુનીલ આ ૧૪ વર્ષની સગીરાને પોતાની સાથે લઈ નાસી છૂટ્યો હતો. દીકરી ઘરમાં ન દેખાતા પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ અંતે સત્ય સામે આવતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ટંકારા પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી છે. શંકા સેવાઈ રહી છે કે આરોપી સગીરાને લઈને રાજ્ય બહાર ભાગી જવાની ફિરાકમાં હોય શકે છે, જેથી રેલવે સ્ટેશન અને બસ પોર્ટ પર પણ વોચ ગોઠવવામાં આવી છે. શ્રમિક પરિવારોમાં પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસનો દાવો છે કે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને સગીરાને સુરક્ષિત મુક્ત કરાવાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
